<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

જમીન સંપાદનમાં કોર્ટે વધારેલા વળતરના વ્‍યાજની રકમ પર TDS કપાત કરાશે

TDSની રકમ કાપીને બાકી રહેતી રકમની ચૂકવણી કરાશે જમીન સંપાદન અધિકારીએ ખાતેદાર કે અરજદારને સંપૂર્ણ માહિતી આપવી પડશે

અમદાવાદ,તા.૨૯: રાજ્‍યમાં વિવિધ પ્રોજેક્‍ટ માટે મોટાપાયે જમીન સંપાદનની કાર્યવાહી થતી હોય છે પરંતુ અનેક કિસ્‍સામાં વળતરમાં અસંતોષ હોય તો મામલો કોર્ટમાં જતો હોય છે. તે પછી વધારાનું વળતર જાહેર કરાય તો તેની ઉપર ઇન્‍કમટેક્‍સની ટીડીએસ કપાત કેવી રીતે કરવી માટે મહેસૂલ વિભાગે નવેસરથી કાર્ય પધ્‍ધતિ નક્કી કરી છે. તે મુજબ જમીન સંપાદનમાં કોર્ટ દ્વારા વધારી આપવામાં આવેલા વધારાના વળતરની વ્‍યાજ સહિતની રકમ ઉપર જમીન સંપાદન અધિકારી દ્વારા ટીડીએસ કપાત કરવામાં આવશે.

મહેસૂલ વિભાગે સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૦૧૭ના વર્ષમાં કેરાલા હાઇકોર્ટ દ્વારા નલિની વિરુદ્ધ જમીન સંપાદનના ડેપ્‍યુટી કલેકટરના કેસમાં સંપાદન થતી જમીનના સંદર્ભમાં વળતર અને વધારાના વળતર પર ટીડીએસની કપાત અંગે નિયત કાર્યપધ્‍ધતિ અપનાવવા જમીન સંપાદન અધિકારીને સૂચના અપાઈ હતી. જેને ધ્‍યાનમાં લઈને સરકારે જમીન સંપાદનનો ૨૦૨૨નો ઠરાવ જેમાં વળતરની રકમ અને તેના વ્‍યાજ ઉપર ટીડીએસની કપાતની સૂચનાનો ઉલ્‍લેખ ન હતો તે રદ કર્યો છે. તે સાથે જમીન સંપાદનના કેસમાં ચૂકવાતા વળતર અને વધારાના વળતર પર ટીડીએસની કપાત કરવા અંગે નવી કાર્યપધ્‍ધતિ ૨૬ ઓગસ્‍ટથી જારી કરી છે. તે મુજબ કોર્ટ દ્વારા વધારી આપવામાં આવેલા વળતરની વ્‍યાજ સહિતની રકમ ઉપર ટીડીએસની કપાત કરવામાં આવશે પરંતુ તેવી કપાત જમીન સંપાદન અધિકારી દ્વારા સીધી રીતે ન કરાતા વધારાના વળતરની વ્‍યાજ સહિતની સંપૂર્ણ રકમ કોર્ટમાં જમા કરાવવાની રહેશે. તેમાં વળતરની વ્‍યાજ સહિતની રકમ ઉપર કપાત કરવામાં આવશે.

જમીન સંપાદન અધિકારીએ ઈન્‍કમટેક્‍સની ટીડીએસની રકમ કપાત કરતા પહેલા ખાતેદાર કે અરજદારને તેમની જવાબદારી અંગે જણાવવું પડશે. તે ઉપરાંત આવકવેરાનિયમ હેઠળ કાપવાપાત્ર ટીડીએસની રકમ કાપીને બાકી રહેતી રકમની ચૂકવણી કરવાની રહેશે. જો અરજદાર સક્ષમ સત્તા પાસેથી આવકવેરો ભરવામાંથી મુક્‍તિનું કે ઘટાડેલા દરે આવકવેરો ભરવાનું પ્રમાણપત્ર રજૂ કરે તો તે અનુસાર જ ટીડીએસની રકમ કાપવાની રહેશે અને બાકી રકમની ચૂકવણી કરવાની રહેશે. એટલુંજ નહીં ટીડીએસની કપાત નિયત સમય મર્યાદામાં ઇન્‍કમટેક્‍સ વિભાગમાં અધિકારીએ પણ જમા કરાવી દેવી પડશે. ખાતેદારને ટીડીએસ કપાતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેથી તેના આધારે ખાતેદાર રિટર્ન ભરીને રીફંડ મેળવવાની કાર્યવાહી કરી શકે.(૪૦.૮)

(9:28 AM IST)