<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

જસ્‍ટિસ સંદિપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલોની હડતાલ ચાલુઃ ૧૦ હજારથી વધુ કેસોની સુનાવણી અટકી પડી

હડતાલ ચાલુ રાખવી કે નહિ આજે નિર્ણય લેવાશેઃ બદલી સંદર્ભે ચીફ જસ્‍ટીસને રજુઆત કરાશે

 

જસ્‍ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલોએ બીજા દિવસેય હડતાળ પાડી હતી

અમદાવાદ, તા. ર૯: ગુજરાત હાઇકોર્ટના જસ્‍ટિસ સંદીપ ભટ્ટની બદલી કરવાના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટના વકીલો સતત બીજા દિવસે એટલે ગુરુવારે પણ કામકાજથી અળગા રહ્યા હતા. જેને કારણે એક દિવસમાં આશરે ૧૦ હજાર કેસની સુનાવણી થઈ શકી ન હતી. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને સિનિયર એડવોકેટ સહિતના ૬ સભ્‍યોનું પ્રતિનિધિ મંડળ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસને આમામલે રજૂઆત કરવા દિલ્‍હી પહોચ્‍યું છે. જેની મુલાકાત શુક્રવારે થયા બાદ હડતાલ ચાલુ રાખવી કે નહી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

હાઇકોર્ટમાં ગુરુવારે કોર્ટ શરૂ થવાના સમયે દરવાજાની બહાર હજારો વકીલો એકત્ર થયા હતા આખો દિવસ કામકાજથી અળગા રહ્યા હતા.હાઈકોર્ટની તમામ ૩૩ કોર્ટ વકીલો વગર સૂમસામ જોવા મળી હતી. વકીલોએ મુખ્‍ય દરવાજા પાસે એકત્ર થઈને જસ્‍ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં સૂત્રોચ્‍ચાર કર્યા હતા. તેમની બદલીનો નિર્ણય રદ કરવા ચીફ જસ્‍ટિસ ઓફ ગુજરાત સમક્ષ રજૂઆત કરી હતી. સુપ્રીમના ચીફ જસ્‍ટિસ બી.આર ગવઈ પ્રતિનિધિ મંડળને મળ્‍યા હતા અને તેઓ સુપ્રીમ કોલેજીયમના સભ્‍યો સાથે ચર્ચા કરીને નિર્ણય લેશે તેની જાણ કરશે. જસ્‍ટિસ સંદીપ ભટ્ટની બદલીનો નિર્ણય અનિર્ણાયક તબક્કામાં હોવાથી શુક્રવારે હડતાળ ચાલુ રહે તેવી શકયતા છે. જસ્‍ટિસ વિપુલ પંચોલીને સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રમોશન મળતા શુક્રવારે તેમનો શપથ સમારોહ હોવાથી ચીફ જસ્‍ટિસ ઓફ ઈન્‍ડિયા વ્‍યસ્‍ત હોવાથી ગુજરાતના પ્રતિનિધિ મંડળને સમારોહ પૂર્ણ થયા બાદ મળશે. ત્‍યારે જે નિર્ણય લેવાશે તેના પર હડતાળ ચાલુ કે બંધ રાખવી તેનો નિર્ણય લેવાશે.(૬.૮)

(11:01 AM IST)