<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

૨૯૩૬ સરકારી શાળાઓ ભગવાન ભરોસે ચાલે છે!

સરકારને ગુજરાતીઓને ભણાવવામાં રસ નથીઃએક શિક્ષક હોય તેવી શાળાઓનો આંકડો વધી રહ્યો છે

ગાંધીનગર, તા.૨૯

ગુજરાતમાં સરકારી શિક્ષણ વ્યવસ્થા વેન્ટિલેટર પર છે એવુ કહી શકાય. કારણ કે, એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. રાજ્યની ૨૯૩૬ સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષકના હવાલે છે. ગુજરાત સરકાર પ્રવેશોત્સવના નામે કરોડોનો ધુમાડો કરે છે, પણ સરકારી શાળાઓમાં ભણાવનાર જ કોઈ નથી. શહેરો કરતા ગામડાઓની શાળાઓમાં સ્થિતિ વધુ ખરાબ છે. શિક્ષકોની ઘટના લીધે શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. હાલ સ્થિતિ એવી છે કે, શાળામાં ચાલતા અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક ભણાવે છે. તો ૨ હજારથી વધુ સરકારી શાળા હજુ પણ ઈન્ટરનેટની સુવિધાથી વંચિત છે.

ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ વિશે યુડાઈસના ૨૦૨૪-૨૫ના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. ગુજરાતમાં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યામાં બે વર્ષમાં મોટો વધારો થયો છે. ૨૦૨૨-૨૩માં એક શિક્ષકો ધરાવતી શાળાઓની સંખ્યા ૧૭૫૪ હતી, જે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૨૯૩૬ થઈ ગઈ છે. આ ચોંકાવનારા આંકડા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ઓફ એજ્યુકેશન પ્લસના રિપોર્ટમાં સામે આવ્યા છે. એટલું જ નહીં રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં શાળા અને શિક્ષકો બંનેની સંખ્યા ઘટી છે. શિક્ષકોની સંખ્યામાં પાંચ હજારનો ઘટાડો થયો છે. એટલું જ નહીં ધોરણ ૧ થી લઈને ૧૨માં ધોરણ સુધી વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ધોરણ ૧ થી ૫માં ૪૫ લાખ ૬૭ હજાર વિદ્યાર્થીઓ હોય છે, પરંતુ ૧૧ અને ૧૨માં ધોરણમાં પહોંચતા આ સંખ્યા ૧૦ લાખ ૮૨ હજાર થઈ જાય છે.

૨૦૨૪-૨૫માં ગુજરાતની ૬૩ શાળાઓમાં એક પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ નહોતો લીધો. પરંતુ આ શાળાઓમાં ૭૮ શિક્ષકો હતા. આ તમામ આંકડા આંખ ઉઘાડનારા છે. ક્યાંક બાળકોને ભણવું છે તો શિક્ષકો નથી, ક્યાંક શિક્ષકો છે તો વિદ્યાર્થીઓ એડમિશન નથી લેતા. જે વિદ્યાર્થીઓ ભણીને આગળ વધવાના છે, ગુજરાત અને દેશની વિકાસયાત્રામાં સહભાગી થવાના છે, તેમના જ ભણતર અંગેના આ ચોંકાવનારા આંકડા સવાલ ઉભા કરી રહ્યા છે. આ આંકડાઓ શિક્ષણવિદોની પણ ચિંતા વધારી રહ્યા છે. જો આવી જ સ્થિતિ રહેશે તો અભ્યાસની ગુણવત્તા પર અસર પડી શકે છે. એક જ શિક્ષકના ભરોસે ચાલતી શાળાઓના વિદ્યાર્થીઓને વિકાસ રૃંધાઈ શકે છે. અને એટલે જ આ તરફ ધ્યાન આપવું જરૃરી છે.

યુડાઈસના રિપોર્ટ પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, એક જ શિક્ષકથી ચાલે છે અનેક શાળાઓ. વિદ્યાર્થીઓના અભ્યાસની ગુણવત્તા પર અસર પડી રહી છે. સરકાર સત્વરે ભરતી કરે તેવી માંગ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સરકારી શાળાઓની સંખ્યા પણ ગુજરાત કરતા વધારે છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે રાજ્યના સતત વધતા ખાનગીકરણની સીધી અસર સરકારી શિક્ષણ વ્યવસ્થા પર દેખાઈ રહી છે. તો શું ગુજરાત સરકાર ખાનગીકરણને વધુ પ્રોત્સાહન આપી રહ્યું છે? તો શુ સરકાર શિક્ષણના ખાનગીકરણ પર વધુ ધ્યાન આપી રહી છે?

 

(7:39 PM IST)