<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

મુખ્યમંત્રી મહિસાગર નદી કાંઠે તૈયાર થયેલા ગળતેશ્વર વનનું કાલે લોકાર્પણ કરશે: વનમાં 300થી વધુ પ્રજાતિઓના વાવેતર

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામમાં આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે રાજ્યકક્ષાના 76માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામમાં આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે રાજ્યકક્ષાના 76માં વન મહોત્સવની આવતીકાલ 30 ઓગસ્ટ 2025ના રોજ ભવ્ય ઉજવણી કરાશે.મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે પાંચ હેક્ટર વિસ્તારમાં આકાર પામેલ 24માં સાંસ્કૃતિક વન ગળતેશ્વર વનનો સવારે 10 કલાકે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

  મહીસાગર નદી કિનારે નિર્માણધીન આ વનમાં 300થી વધુ પ્રજાતિઓના વાવેતર થકી આ કોતર વિસ્તારમાં બાયોડાયવર્સિટીને સમૃદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. મધ્ય ગુજરાતમાં તૈયાર થયેલા રાજ્યના ૨૪માં સાંસ્કૃતિક "ગળતેશ્વર વન”માં નવા અભિગમ સાથે આ વનમાં આકર્ષક મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, બિલિપત્ર વન, શિવલિંગ વન, શિવમૂર્તિ, ગઝેબો, બટરફ્લાય ગાર્ડન, બાળ ક્રિડાંગણ, માતૃવન, ચરોતર વિસ્તારના મહાનુભાવોને આવરી લેતું ચરોતર સંકુલ, ગળતેશ્વર ડાયરોમા, વોચ ટાવર, દુર્લભ પ્રજાતિના રોપાનું વાવેતર ધરાવતું નંદી વન, બામ્બુ મિસ્ટ ટનલ, પ્રાકૃતિક શિક્ષણ સ્થળ, મેઝ ગાર્ડન, ચેકડેમ, સારસ પંખી સ્કલ્પચર, આરોગ્ય વન, ચરક વન-પ્રતિમા, પીપળ, બેલ, આંબળા, વટ અને અશોક એમ પાંચ વૃક્ષ ધરાવતું પંચવટી વન, ગ્રહમાર્ગ કે સૂર્યમાર્ગ પર સ્થિત આવા એક કે તેથી વધુ તારાઓના ચોક્કસ અંતરે આવેલા જૂથોને 27 ભાગમાં વિભાજીત કરીને “નક્ષત્રો” તરીકે નામ આપી ઓળખવામાં આવી છે

પૌરાણિક શાસ્ત્રોમાં સમગ્ર નભોમંડળને 12 રાશિઓમાં વિભાજીત કરવામાં આવી છે તેવું રાશી વન, નવગ્રહ વન, ફોટો પોઈન્ટ, ઉધઈના રાફડાનો ઉભો છેદ, મધમાખીનું જીવનચક્ર દર્શાવતું ફોટો પોઈન્ટ, ક્રોસિંગ બ્રિજ-રેલિંગ અને સુવિધાસભર કેન્ટીન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.આ ઉપરાંત ગળતેશ્વર મહાદેવ પાસેથી પસાર થતી મહી બારમાસી નદી હોવાથી સમગ્ર પંથક હરિયાળો રહે છે. પ્રવાસીઓ માટે મહત્વ ધરાવતું આ વન તૈયાર થવાથી સ્થાનિક અર્થ તંત્રને વેગ મળતા સ્થાનિક રોજગારીના નિર્માણની સાથે આ વિસ્તારમાં નાગરિકોનું જીવન ધોરણ વધુ ઉંચુ આવશે.

ગુજરાતના પૌરાણિક-ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્થળોમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ગળતેશ્વરનું પણ અનેરૂ મહત્વ છે. સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આ ધાર્મિક સ્થળ આવેલું છે. ગળતી નદી પરથી આ મંદિરનું નામ ગળતેશ્વર પડ્યું છે. સુપ્રસિદ્ધ ડાકોરના ઠાકોરજીના ધામથી માત્ર 10 થી 12 કિ.મી.ના અંતરે આવેલા આ ગળતેશ્વર મહાદેવ ખાતે વર્ષે અંદાજે ૨૫ લાખથી વધુ ભક્તો અને પર્યટકો આવતા હોય છે. ગળતેશ્વર મંદિર પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય સ્મારક પણ જાહેર કરવામાં આવ્યું છે.મહીસાગર નદી કિનારે આવેલ ગળતેશ્વર મહાદેવના દર્શાનાર્થે તથા મહીસાગર નદીમાં સ્નાન કરવા માટે દરરોજ અંદાજે ૭૦૦ થી ૧૨૦૦ દર્શનાર્થીઓ આવતા હોય છે. શિવરાત્રીના દિવસે આ સ્થળે ભવ્ય મેળો પણ ભરાય છે.

(8:21 PM IST)