તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 30th August 2025
અમદાવાદ SOGએ એક આરોપીને ઝડપી પાડ્યો
ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમનો પર્દાફાશઃગાંધીધામ આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ૧૯ બેંકોમાંથી સાડા ૧૩ કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા

અમદાવાદ, તા.૩૦
અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચને ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. દુબઇથી અમદાવાદ આવેલા એક શખ્સને SOGએ ઝડપી લીધો છે. આ આરોપી આઠ દિવસ પહેલા દુબઈથી ભારત આવી અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસે આવેલી હોટલમાં રહ્યો હતો. જેને ઝડપી લઈ તપાસ કરતા કચ્છ ગાંધીધામ આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં ૧૯ બેંકોમાંથી સાડા ૧૩ કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે.
ગુજરાતના કચ્છ પૂર્વ ગાંધીધામ, આદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા સાયબર ક્રાઇમના અલગ અલગ ગુનાઓનો પર્દાફાશ SOG ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. આ અંગેની વિગત આપતા SOG ક્રાઈમ બ્રાન્ચના ACP બી. સી. સોલંકીએ જણાવ્યું કે આઠ દિવસ પહેલા દુબઈથી ભારતમાં આવેલા અને નાસતા ફરતા આરોપી દિલીપ ઉર્ફે મોનું સંગતાણીની ધરપકડ કરી છે જે કચ્છ ગાંધીધામનો રહેવાસી છે અને અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસે આવેલી મહેર ઇન હોટલમાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે અને આગળની તપાસની કાર્યવાહી માટે આરોપીને કચ્છ પૂર્વ ગાંધીધામ સાયબર ક્રાઇમને સોંપવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી દિલીપ ઉર્ફે મોનું સંગતાણીની પૂછપરછ કરતા આરોપીની સાયબર ક્રાઇમની જે મોડસ ઓપરેન્ડી સામે આવી છે તે પ્રમાણે આરોપી અગાઉ પોલીસમાં પકડાયેલા તેના ભાઈ નરેશ સંગતાણી તેમજ અન્ય લોકો સાથે મળી જરૃરિયાતમંદ લોકોને બેંક એકાઉન્ટમાં ખાતા ખોલાવવાની લાલચ આપતો હતો. અલગ અલગ એકાઉન્ટ ધારકોને લોભ લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા ખોલાયેલા બેંક એકાઉન્ટની કીટ મેળવી લેતો હતો અને મુંબઈથી મેળવેલા સીમકાર્ડ નંબરો આ બેક્ન એકાઉન્ટમાં રજીસ્ટર્ડ કરાવતો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બેંકમાં ખાતું ખોલાવનારને ૧૦ ટકા કમિશન આપતો હતો. એટલે કે તેમના ખાતામાં ૧ કરોડનું ટ્રાન્ઝેક્શન કરવાના ૧૦ લાખ એવી રીતે ૧૦ ટકાના કમિશનની લાલચ આપી ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવતો હતો. આરોપી દુબઈમાં જય ક્રિકેટનો મોટો સટ્ટો રમતો હતો. ક્રિકેટના સટ્ટા માટે તે દુબઈના સટોડીયાઓ સાથે પણ સંકળાયેલો હતો. આરોપી દોઢ બે મહિનાથી દુબઇથી અહીં અવરજવર કરતો હતો. તે ત્રણ ચાર વર્ષથી આ પ્રવૃતિ સાથે સંકળાયેલો છે. હાલમાં તેનો ભાઈ નરેશ કચ્છ જેલમાં આ ગુના સજા કાપી રહ્યો છે. આરોપી દિલીપ પણ વર્ષ ૨૦૨૪ના એક અન્ય ગુનામાં વોન્ટેડ આરોપી છે. હાલમાં આ મામલે તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
