<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓને અચાનક તાળા મારી દેતા 85થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર

શાળાને બંધ કરી દેતા વિદ્યાર્થી અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો : સમિતિ દ્વારા આ શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના બનાવાઈ રહી છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10  અને 36 ને છેલ્લા 2  દિવસથી અચાનક તાળા મારી દેતા 85થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી રહી છે.

શહેરના રાવળીયાવાડ સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી. પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેતા વિદ્યાર્થી અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. વાલીઓએ આપેલી માહિતી અનુસાર, સમિતિ દ્વારા આ શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના બનાવાઈ રહી છે આ મુદ્દે વાલીઓએ જણાવ્યું કે, રાવળીયાવાડ વિસ્તારમાં મોટા ભાગના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારોના છે. 

સ્થાનિકોનું કહેવું છે કે, જો શાળાને દૂર ખસેડવામાં આવશે તો બાળકોને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડશે, જેના કારણે તેમના ભણતર પર ખરાબ અસર પડશે વાલીઓએ આ નિર્ણયને અચાનક અને અનાયાસ પગલું ગણાવ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ શાળાને ખસેડવાના નિર્ણયનો વિરોધ કરશે.

(8:39 PM IST)