<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પાટણ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

પાટણ જિલ્લાની હદમાં અંબાજી પગપાળા જતા યાત્રીઓ/સંઘોની સેવા માટે રોડની સાઈડમાં રાખવા/બનાવવામાં આવતા સેવા કેમ્પો માટે કેટલાક નિયંત્રણો મુકાયા

અમદાવાદઃ આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મહામેળો તા. ૦૧/૦૯/૨૦૨૫ થી તા.૦૭/૦૯/૨૦૨૫ સુધી અંબાજી ખાતે યોજાનાર છે. આ મેળામાં અંબાજી પગપાળા જવા સારૂ મોટી સંખ્યામાં પદયાત્રીઓ / પગપાળા સંઘો પાટણ જિલ્લાની હદમાંથી પસાર થઈ અંબાજી જતા હોય છે.

અંબાજી માતાજીના દર્શનાર્થે જતા યાત્રીકોનો ધસારો પાટણ જિલ્લાના વિવિધ માર્ગો પર રહેતો હોય છે. આ સમય દરમ્યાન રોડની સાઈડોની નજીકમાં પદયાત્રીઓની સેવા માટે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ / લોકો દ્વારા સેવા કેમ્પો બાંધવામાં આવતા હોય છે. ઘણા કેમ્પો રોડની એકદમ નજીક બાંધવામાં આવતા હોય છે તેમજ સેવા કેમ્પો આગળ માટીથી બમ્પ બનાવે છે. આથી અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે. સેવા કેમ્પો દ્વારા કેમ્પના આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટીક, થર્મોકોલ તેમજ કચરો નાખતા હોય છે. આથી પદયાત્રીઓ / પગપાળા સંઘોની સુરક્ષા ધ્યાને લઈ, પદયાત્રીઓ / પગપાળા સંઘોની જાનમાલ અને સ્વાસ્થયની સાચવણી થઈ શકે, અન્ય લોકોને તકલીફ ન પડે તથા ટ્રાફિકનું સંચાલન રહે તે સારુ પાટણ જિલ્લાની હદમાં સેવા કેમ્પો માટે કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી છે.

જે અન્વયે શ્રી વી.સી. બોડાણા(GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પાટણ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ પાટણ જિલ્લાની હદમાં અંબાજી પગપાળા જતા યાત્રીઓ/સંઘોની સેવા માટે રોડની સાઈડમાં રાખવા/બનાવવામાં આવતા સેવા કેમ્પો માટે નીચે મુજબ હુકમ ફરમાવવામાં આવેલ છે.

(૧) સેવા કેમ્પ રોડ થી ૩૦ ફુટ દૂર બનાવવાના રહેશે.

(૨) સેવા કેમ્પ બાંધવા સારૂ સંબંધિત કચેરી/વિભાગની પરવાનગી લેવાની રહેશે.

(3) સેવા કેમ્પ આગળ રોડ ઉપર કોઈપણ પ્રકારના બમ્પ બનાવવા નહી તથા રોડ રસ્તા બ્લોક કરવા નહી.

(૪) સેવા કેમ્પમાં અને તેની આસપાસ ડસ્ટબિન(કચરાપેટી) ફરજીયાત પણે રાખવાના રહેશે.

(૫) સેવા કેમ્પમાં પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ કરવો નહી.

(૬) સેવા કેમ્પમાં સુકા અને ભીના કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરવાની રહેશે.

(૭) સેવા કેમ્પ પૂર્ણ થયા પછી જે તે જગ્યાની સાફ સફાઈ કરવાની રહેશે.

આ હુકમ આજ રોજથી તા.૦૭/૦૯/૨૦૨૫ ના ૨૪: ૦૦ કલાક સુધી અમલમાં રહેશે.

આ હુકમના કોઈ પણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલિસ અધિકારીઓશ્રી આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.

(4:22 PM IST)