News of Sunday, 31st August 2025
IPS SCHOOL વિરમગામ ખાતે સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
વિધાર્થીઓને દ્રઢ સંકલ્પ સાથે નશા મુક્ત જીવન જીવવાની પ્રેરણા અપાઇ : સાયબર ક્રાઇમના વધતા ખતરાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ઇન્ડિયન પબ્લિક સ્કૂલ (IPS SCHOOL) વિરમગામ ખાતે વિધાર્થીઓ માટે સમાજમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણ તથા સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર મુખ્ય વક્તા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન પી.આઈ. ડૉ. કે. એસ. દવે અને સ્કૂલના ટ્રસ્ટી ગોપાલભાઈ પણ હાજર રહ્યાં હતાં. ડૉ. કે. એસ. દવેએ પોતાના લાંબા કારકિર્દીના અનુભવ પરથી વિધાર્થીઓને સમજાવ્યું કે કિશોરાવસ્થા માં ખોટી સાથો સાથ અને આકર્ષણના કારણે યુવાનો ઘણી વાર ડ્રગ્સના શિકાર બને છે, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય, શિક્ષણ અને ભવિષ્ય બગડી જાય છે. તેમણે વિધાર્થીઓને દ્રઢ સંકલ્પ સાથે નશા મુક્ત જીવન જીવવાની પ્રેરણા આપી. તેમણે સાથે સાથે સાયબર ક્રાઇમના વધતા ખતરાઓ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર અજાણ્યા લિંક્સ ખોલવાથી, અજાણ્યા લોકો સાથે માહિતી વહેંચવાથી, તેમજ ખોટી વેબસાઇટનો ઉપયોગ કરવાથી થતા જોખમો વિશે ચેતવણી આપી હતી. વિધાર્થીઓને પોતાની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવાની તથા જવાબદારીપૂર્વક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. આ કાર્યક્રમમાં વિધાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા અને પોતાના જ્ઞાનમાં વધારો કર્યો. શાળા પરિવારે પણ આ કાર્યક્રમને વિધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી ગણાવ્યો હતો.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
