<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટઃ ગુજરાતની ૧૭નદીઓ પર બ્રિજ તૈયાર

૩૧૭ કિ.મી. વાયડક્‍ટનું કામ પૂર્ણ,૩.૯૦ લાખ ધ્‍વનિ અવરોધકો લગાવાયા

 

 

અમદાવાદ તા.૧:  અમદાવાદ-મુંબઇ વચ્‍ચેની ૫૦૮ કિ.મી.લાંબા બુલેટ ટ્રેન કોરિડોરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કોરિડોરમાં અત્‍યાર સુધીમાં ૩૧૭ કિ.મી. સુધી વાયડકટનું નિર્માણ કામ પુરૂ કરાયું છે. ૩૯૯ કિ.મી.સુધીમાં થાંભલાઓનું કામ પુરૂ કરાયું છે. ૪૦૭ કિ.મી.માં થાંભલા ફાઉન્‍ડેશનનું કામ પૂર્ણ કરાયું છે. ૩૩૭ કિ.મી.માં ગર્ડર કાસ્‍ટિંગનું કામ પુરૂ કરાયું છે. ૧૭ નદીઓ ઉપર બિજનું નિર્માણ કામ કરી દેવાયું છે. ગુજરાતમાં વાયડક્‍ટ ધ્‍વનિ અવરોધકની સ્‍થાપના કરાઈ છે. જેમાં અંદાજે ૩,૯૦,૦૦૦ ધ્‍વનિ અવરોધકો ૧૯૫ કિ.મી.ના માર્ગ પર સ્‍થાપિત કરવામાં આવ્‍યા છે.

ગુજરાતમાં અત્‍યાર સુધીમાં ૧૯૮ ટ્રેક કિ. મી.ટ્રેક બેડનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાયું છે. વાયડક્‍ટ પર ૨૦૦ મીટર લાંબા પેનલ બનાવવા માટે રેલ્‍સનું વેલ્‍ડિંગ કાર્ય ચાલુ છે. ગુજરાતમાં ઓવરહેડ સાધનોના માસ્‍ટની સ્‍થાપના ચાલી રહી છે. સુરત-બિલિમોરા બુલેટ ટ્રેન સ્‍ટેશનો વચ્‍ચે લગભગ ૪૦ કિ.મી.. મેઇનલાઇન વાયડક્‍ટમાં ૧,૬૦૦થી વધુ ઓએચઈ માસ્‍ટ સ્‍થાપિત કરવામાં આવ્‍યા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં બીકેસીથી શિળફાટા વચ્‍ચે ૨૧ કિ.મી.લાંવી ટનલનું કામ ચાલુ છે. અત્‍યાર સુધી કુલ અંદાજે ૪.૫ કિ.મી.ટનલ હેડિંગ પૂર્ણ થયું છે. જેમાં શિલફાટાથી તેમજ એડીઆઈટી પોર્ટલમાંથી બે સમકક્ષ ફેસ દ્વારા ન્‍યુ ઓસ્‍ટ્રિયન ટનલિંગ પદ્ધતિથી કામ કરવામાં આવ્‍યું છે. પાલધર જિલ્‍લામાં સાત પર્વતીય ટનલનું ખોદકામનું કામ ચાલી રહ્યું છે. જેમાં કુલ ૬ કિ.મી. માંથી અંદાજે ૨ કિ.મી.હેડિંગ પૂર્ણ થયું છે. ગુજરાતમાં તમામ આઠ સ્‍ટેશનો માટેનું સ્‍ટ્રકચરલ કામ પૂર્ણ થયું છે. બિલ્‍ડિંગના આંતરિક અને ફિનિશિંગ કામો ઝડપથી આગળ વધી રહ્યા છે. તમામ ત્રણ એલિવેટેડ સ્‍ટેશનો પર કામ શરૂ થયું છે. મહારાષ્ટ્રમાં મુંબઈ બુલેટ ટ્રેન સ્‍ટેશન પર બેઝએ સ્‍લેબ કાસ્‍ટ કરવામાં આવી રહી છે. વિરાર અને બોઇસર બુલેટ ટ્રેન સ્‍ટેશન માટેનું પ્રથમ સ્‍લેબ કાસ્‍ટિંગનું કામ પૂર્ણ થયું છે.(૩૮.૨૮)

(10:36 AM IST)