<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

સૌરભ પટેલ રાજકારણમાં ફરી સક્રિય બનશે ?

રાજકોટમાં અરવિંદ રૈયાણી અને ગોવિંદ પટેલ બાદ બોટાદમાં સૌરભ પટેલે જન્‍મદિવસની ઉજવણી નિમિતે મીટીંગો કરી! લાઠીદડ ગામે મીટીંગમાં ભાજપ સંગઠનના આગેવાનોની ગેર હાજરી!

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા. ૧: રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી અને બોટાદના પૂર્વ ધારાસભ્‍ય સૌરભભાઈ પટેલ પણ રાજકારણમાં ફરી સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા તેમના જન્‍મદિવસ નિમિત્તે તેમણે બોટાદમા કાર્યકરો સાથે એક આશ્રમમાં જન્‍મદિવસની કેક કટીંગ કર્યા બાદ મીટીંગ કરી હતી બાદ પાળીયાદની પ્રખ્‍યાત વિસામણબાપુની જગ્‍યામાં જઈ દર્શન કરી ગાદીપતિ ઉમાબાના આશીર્વાદ પણ લીધા હતા.

આ ઉપરાંત બોટાદના રાજકારણનું હબ ગણાતા લાઠીદડ ગામે પણ તેમણે મીટીંગ કરી હતી જોકે આ મીટીંગ થોડી વિવાદાસ્‍પદ રહી હતી કારણ કે આ મીટીંગમાં ભાજપના વફાદાર અને સંગઠનનાં મોટા ભાગના આગેવાનો અને કાર્યકરો મીટીંગમાં ઞેર હાજર રહ્યા હતા. ઉલ્લેખની છે કે વિસાવદરની પેટા ચૂંટણી બાદ ગોપાલ ઇટાલીયા ભાજપ તરફી રહેલા પાટીદાર મતોનું વિભાજન ન કરે એ માટે ભાજપ દ્વારા જુના ભાજપના પાટીદાર નેતાઓ કે જેવો હાલ જૂથવાદના કારણે ભાજપમાં નિષ્‍ક્રિય થઈ ગયા છે તેમને સક્રિય કરવા માટે ભાજપ દ્વારા રાજ્‍યભરમાં આવા પાટીદાર નેતાઓને ફરી સક્રિય કરવા અભિયાન હાથ ધર્યું છે  રાજકોટમાં જે રીતે અરવિંદભાઈ રૈયાણીની ફરી અચાનક એન્‍ટ્રી થઈ એ જ રીતે સૌરભભાઈ પટેલ પણ બોટાદમાં સક્રિય થયા હોવાનું કે કરવામાં આવ્‍યા હોવાનુ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે આમ પણ બોટાદમાં હાલ આપના ધારાસભ્‍ય હોય ભાજપ બોટાદ ફરી કબ્‍જે કરવા સૌરભભાઈને ફરી મેદાનમાં ઉતાર્યા હોવાની બોટાદનાં રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે.

(12:24 PM IST)