<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

અત્‍યારે તબલા પર વગાડાતી બંદિશોના મૂળ ૧૮૦૦ થી ૨૦૦૦ વર્ષ જૂના છે

યુનિ.ની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્‍ટીના અધ્‍યાપકનું સંશોધન પહેલી સદીથી પંદરમી સદી વચ્‍ચે રચાયેલા સંગીતના ૧૦ ગ્રંથો અને અત્‍યારે વગાડાતી ૧૧૦ જેટલી બંદિશોના કરેલા અભ્‍યાસ કર્યા બાદ તારણ

વડોદરા,તા.૦૨: ભારતીય સંગીતમાં અને તેમાં પણ શાસ્‍ત્રીય સંગીતમાં તબલાનું સ્‍થાન વિશેષ છે.સૈકાઓ પહેલા જેમાં ચામડાનો ઉપયોગ થતો હોય તેવા વાઘોને અવનઘ વાદ્યો તરીકે ઓળખવામાં આવતા હતા અને તેમાં તબલાનો પણ સમાવેશ થાય છે.

તબલાના વર્ણ એટલે કે તબલાની ભાષાનું ઉદ્વવ સ્‍થાન શું હોઈ શકે તે જાણવા માટેનું રસપ્રદ સંશોધન એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્‍ટીના અધ્‍યાપક જયદીપ લકુમે પોતાના ગાઈડ અને ફેકલ્‍ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારના માર્ગદર્શન હાથ ધર્યું હતું. આ સંશોધનના આધારે તેમણે તાજેતરમાં જ પીએચડીની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે.જયદીપ નકુમે આ માટે ભારતમાં પહેલી સદીથી માંડીને ૧૫મી સદી સુધી લખાયેલા સંગીતના વિવિધ ગ્રંથોનો અભ્‍યાસ કર્યો હતો તેમનું કહેવું છે કે, તબલામાં અત્‍યારે જે જે વર્ણનો ઉપયોગ થાય છે (જેમ કે તા, ના ધિ, તિ, કે, ગે) તેના મૂળિયા ૧૮૦૦ થી ૨૦૦૦ વર્ષ જૂના છે. અત્‍યાર સુધીમાં ભાગ્‍યે જ કોઈએ તબલાના વર્ણનું ઉદભાવ સ્‍થાન શું છે તે જાણવાની જહેમત ઉઠાવી છે.

વર્ણને સાદી ભાષામાં આપણે અક્ષરો કહી શકીએ છે. અક્ષરો ભેગા કરીને શબ્‍દ બને છે તે રીતે એક થી વધારે વર્ણ તબલા પર વગાડવામાં આવે ત્‍યારે તે બોલ બને છે અને શબ્‍દોને ભેગા કરવામાં આવે ત્‍યારે તે વાક્‍ય બને છે તે રીતે બોલને ભેગા કરવામાં આવે ત્‍યારે બંદિશ બને છે. જયદીપ નકુમના કહેવા પ્રમાણે અત્‍યારે તબલા પર વગાડવામાં આવતી ૧૧૦ જેટલી બંદિશોનો મેં અભ્‍યાસ કયો તો જાણવા મળ્‍યું હતું કે, તેમાં વપરાયેલા ૭૦ ટકા બોલ પહેલી સદીથી પંદરમી સદીમાં રચાયેલા ગ્રંથોમાં જોવા મળે છે.

કયા ગ્રંથોનો અભ્‍યાસ કર્યો

નાટય શાષ (એક થી ત્રીજી સદી), વિષ્‍ણુધર્મોત્તરપુરાણ(ચોથી-પાંચમી સદી), સંગીત મકરંદ (સાતમી સદી) સંગીત રત્‍નાકર (૧૩મી સદી), સંગીત સમયસાર (૧૪મી સદી), સંગીતોપનિષત્‍સારોદ્યાર (૧૪મી સદી), ઔમા પતમ (૧૫મી સદી), સંગીત દામોદર (૧૪મી-૧૫મી સદી), સંગીત સારામૃત (૧૬મી સદી) રસકૌમુદી (૧૬મી સદી)(

પ્રાચીન ગ્રંથોમાં તબલાના વર્ણોની વધારે વિવિધતા

આ સંશોધન પ્રમાણે પ્રાચીન ગ્રંથોમાં તબલાના જે વર્ણોનો ઉલ્‍લેખ છે તે તબલાના અર્વાચીન જગત સુધી કેવી રીતે પહોંચ્‍યા તે અંગે તો કોઈ સ્‍પષ્ટતા મળતી નથી પણ શક્‍ય છે કે, મૌખિક રીતે જ્ઞાન આપવાની પરંપરાના આધારે આ જ્ઞાન એક પેઢીથી બીજી પેઢીને મળ્‍યું હોય. પ્રાચીન ગ્રંથમાં તબલાના વર્ણોની વિવિધતા અત્‍યારે જે વર્ણો ચલણમાં છે તેના કરતા પણ વધારે છે.

તબલા જેવા વાદ્યો અવનદ્ય વાદ્ય તરીકે ઓળખાતા હતા

જયદીપ નકુમ કહે છે કે, પ્રાચીન ગ્રંથોમાં તબલા શબ્‍દનો ઉલ્‍લેખ નથી થતો પણ તે સમયે ચામડાથી મઢેલા વાદ્યોને અવનદ્ય વાદ્ય તરીકે ઓળખવામાં આવતા હતા.જેના પર જે વર્ણ એટલે કે બોલ વગાડવામાં આવતા હતા તેમાં અને આજના તબલાના બોલમાં ઘણી સમાનતા છે.જે રીતે સંગીતમાં સાત સૂર હોય છે તે રીતે તબલાના વર્ણ છે. જોકે કેટલા વર્ણ છે તેને લઈને મતમતાંતર છે.ઘણા તબલાના ૬ વર્ણ કે ૧૦ વર્ણ કે ૨૭૧ વર્ણ હોવાનું માને છે.જોકે એક વાત ચોક્કસ છે કે, તબલાના વર્ણ એટલે કે બોલ પરંપરાગત રીતે ભારતીય સંગીતની જ દેન છે

(9:35 AM IST)