<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

મારી પત્‍નીને સદબુદ્ધિ આપો, ગણેશ પંડાલમાં ભક્‍તોની વિચિત્ર પ્રાર્થના

સુરતમાં બાપ્‍પાને પણ મૂંઝવી નાંખે તેવી ભક્‍તોની મનોકામના એક ભક્‍તે લખ્‍યું સાતમો જન્‍મ પૂરો, હવે આવતા જન્‍મે આ પત્‍ની નહિ આપતા

સુરત,તા.૦૨: ભટારના પૂનમનગર યુવક મંડળ બાપ્‍પાના ભક્‍તો માટે વિશિંગ ટ્રીનું આકર્ષણ લાવ્‍યા છે. પરંપરાગત રીતે મૂશકને બદલે આર્ટિફિશિયલ ટ્રી ઊભું કરી તેની ઉપર સ્‍ટીકી નોટ ચોટાડી વિશ માંગવા લોકોની ભીડ જામે છે. પાંચ દિવસમાં જ ૭૦૦૦ કરતાં વધુ ભક્‍તો પોતાની વિશ આ ટ્રી પર ચોટાડી ચૂક્‍યા છે. બાપ્‍પાના ભકતો દ્વારા વિશિંગ ટ્રી પાસે લગાવવામાં આવતી અવનવી સ્‍ટીકી બાપ્‍પાને મૂંઝવી નાંખે તેવી છે.

મંડળના આયોજક સાગરભાઈએ જણાવ્‍યું હતું કે તેમનું મંડળ છેલ્‍લાં ૨૫ વર્ષથી અવિરત બાપ્‍પાની સ્‍થાપના કરે છે. દર વર્ષે તેમના મંડળનો આગ્રહ હોય છે કે લોકોને મદદરૂપ થઇ શકાય. ભૂતકાળમાં શહીદોને ફાળાથી લઇ અલગ અલગ સતકાર્યો માટે નાણાં વાપરતાં આ મંડળ દ્વારા ભક્‍તો માટે આ વખતે વિશિંગ ટ્રીનો આઇડિયા લઈને આવ્‍યા છે. દરેક ભક્‍ત પોતાની વિશ લખી શકે તે માટે સ્‍ટીકી નોટની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. અત્‍યાર સુધી સાત હજાર કરતાં પણ વધુ સ્‍ટીકી નોટ ભક્‍તોએ ચોટાડી છે. જેમાં

તેમણે પોતાની વિશ લખી છે. જોકે ભક્‍તો એવી એવી વિશ લખે છે કે બાપ્‍પાને પણ ચક્કર આવી જાય. એક ભક્‍તે લખ્‍યું. મારી પત્‍નીને બુદ્ધિ આપો. બીજા એક ભકતે તો હદ કરી હતી. મારી પત્‍ની સાથેનો આ સાતમો જન્‍મ માની આવતાં જન્‍મે આ પત્‍ની નહિ મળે તેવી વિશ લખી હતી. એકે લખ્‍યું હતું કે ફી ફાયર ગેમમાં પ્રોકક્‍સી સર્વર મળે. એક સ્‍ટીકી નોટમાં યુવતી ૧૨માં ૮૯ ટકા અને બારમાં પછી થાર કાર મળે. એક લખ્‍યું હતું. હું આઇ.પી.એસ. બની જાઉં. કેટલીક સિરિયસ સ્‍ટીકી નોટ પણ હતી. જેમાં એક સાસુએ લખ્‍યું હતું મને મારી પુત્રવધૂ માતા માને. ઘણી એવી સ્‍ટીકી નોટ પણ હતી કે જીવનની કરુણ વાસ્‍તવિકતા સાથે વણાયેલી હતી.

સાગરભાઈએ વધુમાં જણાવ્‍યા અનુસાર ગણપતિ સાથે જ સ્‍ટીકી નોટ પણ તાપી માતાના પાણીમાં અર્પણ કરી દેવાશે અને આ સ્‍ટીકી નોટની પધરામણી બાદ મને ચોક્કસ જ આશા છે કે સ્‍ટીકી નોટની વીશ બાપા સાથે તેમના ધામે જશે અને તેનું નિરાકરણ પણ થશે.(૪૦.૧૨)

(9:51 AM IST)