<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

રાજ્‍યમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં શૈક્ષણિક લોનનું પ્રમાણ ૧૨% ઘટયું

અમેરિકા-કેનેડાની નીતિના પગલે અભ્‍યાસ માટે લોનની અરજી ઘટી એપ્રિલથી જૂન દરમિયાન રૂા.૪૦૬ કરોડની લોનનું વિતરણ કરાયું

અમદાવાદ,તા.૩: રાજ્‍યમાંથી વિદેશમાં ઉચ્‍ચ અભ્‍યાસ માટે જતાં વિદ્યાર્થીઓ બેંકો દ્વારા આપવામાં આવતી લોનનું પ્રમાણચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયમાં ૧૨ ટકા ઘટયું છે. એપ્રિલથી જૂન માસ દરમિયાન રૂા.૪૦૬ કરોડની શૈક્ષણિક લોનનું વિતરણ કરાયું છે.

સ્‍ટેટ લેવલ બેંકિંગ કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં આ બાબત જણાવાઈ હતી. શૈક્ષણિક લોનની રકમ ગત વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની તુલનાએ રૂા.૬૦ કરોડનો ઘટાડો દર્શાવે છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન બેંકો દ્વારા રૂા.૪૬૬ કરોડની લોનનું વિતરણ ઉચ્‍ચ અભ્‍યાસ માટે જતાં વિદ્યાર્થીઓને કરવામાં આવ્‍યું હતું. લોન લેનાર વિદ્યાર્થીઓની સંખ્‍યામાં પણ ગત વર્ષના આ સમયગાળાની તુલનાએ ૪.૫ ટકાનો ઘટાડો દર્શાવે છે. ગત વર્ષે શૈક્ષણિક લોન ૭,૩૮૫ વિદ્યાર્થીઓને અપાઈ હતી. જ્‍યારે આ વર્ષે ૭૦૪૮ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. આમ ૩૩૭વિદ્યાર્થીઓની સંખ્‍યા ઘટી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે બીજી વખત સત્તા સંભાળ્‍યા બાદ અમેરિકામાં ઉચ્‍ચ શિક્ષણની નીતિ કુડક્ક નીતિમાં પણ ફેરફાર કર્યા છે. આવી જ રીતે કેનેડામાં પણ ઉચ્‍ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ માટેના નિયમોમાં આમૂલ પરિવર્તન થયું છે. જેની સીધી અસર આ દેશોમાં ઉચ્‍ચ અભ્‍યાસ માટે જતાં વિદ્યાર્થીઓના પ્રમાણ ઉપર પણ જોવા મળી રહ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓએ તો અમેરિકા - કેનેડાના વિકલ્‍પે અન્‍ય દેશોમાં અભ્‍યાસ માટે પ્રવેશ મેળવ્‍યા છે. અમેરિકા અને કેનેડામાં અભ્‍યાસ માટે જતાં વિદ્યાર્થીઓની સંખ્‍યામાં ૪૦ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું વિદેશી શિક્ષણ માટે સલાકારક સંસ્‍થાઓના સંચાલકો દ્વારા જણાવાય છે. અમેરિકામાં ઇમિગ્રેશન વિરોધી જે વાતાવરણ છે તેનો પડઘો અત્‍યારે જોવા મળી રહ્યો છે.

શૈક્ષણિક લોનનું વિતરણ પ્રથમ ત્રિમાસિક સમયમાં

બેંક             A/C           વિતરણ રૂા.

રાષ્ટ્રિયકૃત   ૨૯૦૭      ૧૧૬ કરોડ

સ્‍ટેટ બેંક     ૩૧૫૯      ૧૨૩ કરોડ

સહ.બેંક      ૮૦          ૩.૪૮ કરોડ

ગ્રામીણ બેંક ૩૪          ૧.૬૮ કરોડ

ખાનગી બેંક   ૮૬૮   ૧૬૧ કરોડ

(9:25 AM IST)