<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

આયુર્વેદિક-યુનાની પ્રેક્‍ટિસ-નોંધણીની સંસ્‍થા કાઉન્‍સિલ ફોર આયુ. અને યુનાની સિસ્‍ટમ્‍સ ઓફ મેડિસિન કહેવાશે

૮થી ૧૦ સપ્‍ટેમ્‍બર સુધીના વિધાનસભાના ચોમાસુ સત્રમાં ૫ વિધેયક પર ચર્ચા પસાર કરાવાશે

અમદાવાદ,તા.૦૪: ગુજરાત વિધાનસભાનું ૭મું સત્ર ૮ મીથી ૧૦મી સપ્‍ટેમ્‍બર સુધી યોજાશે. જેના પ્રથમ દિવસે એક કલાક માટે પ્રશ્નોત્તરી બાદ પૂર્વ ધારાસભ્‍યો-સાંસદો, મંત્રીઓના નિષન બદલ શોકદર્શક પ્રસ્‍તાવ રજૂ કરાશે. જેમાં પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજય રૂપાણીના નિધનનો શોક પ્રસ્‍તાવ બાદ ગૃહની કાર્યવાહી મોકૂફ રખાશે. ૯મીના બીજા પૂર્વ મુખ્‍યમંત્રી દિવસે પ્રશ્નોતરી અને અન્‍ય કામકાજ ઉપરાંત પાંચ વિષેયક રજૂ કરાશે. ૧૦મીના ત્રીજા દિવસે ગૃહમાં ઓપરેશન સિંદૂરની સફળતાના પગલે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્‍તાવ લાવવામાં આવશે.

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ દ્વારા રજૂ થનારા કારખાના (ગુજરાત સુધારા) વિધેયક દ્વારા સરકાર કારખાનામાં કામ કરનારાઓના કામના કલાકોમાં સુધારો કરશે. જે મુજબ (૧) અઠવાડિયામાં મહત્તમ ૪૮ કલાકને આધીન રહીને કોઈપણ દિવસે આરામના અંતરાલ સહિત પ્રવર્તમાન ૯ કલાકને સુધી કામની પરવાનગી સરકાર આપી શકશે (૨) કામના કલાકો આરામના અંતરાલ વગર ૬ કલાક કરવા માટે સરકાર પરવાનગી આપી શકશે (૩) કામકાજના કલાકોથી વધારે ક્‍લાકો માટે કામદારને ઓવર-ટાઈમ વેતન સામાન્‍ય દર કરતા બમણાં દરે ચૂકવવાપાત્ર થશે (૪) ત્રિ-માસમાં વધારાના સમયગાળા માટે કામદારને ઓવરટાઈમ પર રોકવાની કારખાનાને પરવાનગી આપી શકાશે (૫) મહિલા કામદારનો ઓવરટાઈમ પર રોજગારી અપાશે. રાતપાળીમાં કામ કરતી મહિલાઓને સલામતીની શરતે તેમની લેખિત સંમતિ સાથે ૨૪ કલાકનો રોજગાર ઊભો કરવા પરવાનગી આપી શકાશે. વાસ્‍તવમાં રાજ્‍ય સરકારે આ અંગે વટહુકમ જારી કરીને આ સુધારા પર અમલ શરૂ કરી દીધો છે પણ હવે વિધાનસભામાં કાયદામાં સુધારો વિનિયમિત કરવા માટે આ સુધારા વિધેયક પસાર કરાવાશે.

આરોગ્‍ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાત વૈઘક વ્‍યવસાયીઓનું (સુધારા) વિધેયક રજૂ કરાશે. જેમાં, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા કેન્‍દ્ર સરકારની સૂચના મુજબ રાજ્‍યમાં આયુર્વેદિક અને યુનાની પ્રેક્‍ટિશનરોની પ્રેક્‍ટિસ-નોંધણીની નિયમનકારી સંસ્‍થાને સ્‍ટેટ મેડિકલ કાઉન્‍સિલ ફોર આયુર્વેદિક અને યુનાની સિસ્‍ટમ્‍સ ઓફ મેડિસિન તરીકે ઓળખવામાં આવશે. જેથી ગુજરાત મેડિકલ પ્રેક્‍ટિશનર્સ એક્‍ટમાં બોર્ડ શબ્‍દને બદલે કાઉન્‍સિલ શબ્‍દનો ઉપયોગ કરવા આ સુધારો રજૂ કરાશે.

ગૃહમાં કયા ૫ વિધેયક રજૂ કરીને પસાર કરાવાશે

(૧) શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગનું 'કારખાના (ગુજરાત સુધારા) વિધેયક

(૨) નાણા વિભાગનું 'ગુજરાત માલ અને સેવા કર (દ્વિતીય સુધારા) વિધેયક

(૩) ઉદ્યોગ અને ખાણ વિભાગનું 'ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક'

(૪) આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનું 'ગુજરાત વૈધક વ્‍યવસાયીઓનું (સુધારા) વિધેયક'

(૫)'ગુજરાત ચિકિત્‍સા સંસ્‍થાઓ (રજિસ્‍ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, ૨૦૨૫'

GSTની એકરૂપતા જાળવવાના વટહુકમને વૈધાનિક સ્‍વરૂપ અપાશે

ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ કાઉન્‍સિલની ભલામણોને શક્‍ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને એન્‍ડ સર્વિસ ટેક્‍સ અધિનિયમ, ૨૦૧૭ (CGST Act) અને ગુજરાત ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેકસ અધિનિયમ, ૨૦૧૭ (GGST Ad)ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ અધિનિયમ ૨૦૧૭માં સુધારો કરવો જરૂરી હોઇ વટહુકમ કરવામાં આવ્‍યો છે. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરિત કરવા આ વિધેયક લવાશે.(૪૦.૯)

(9:50 AM IST)