News of Thursday, 4th September 2025
રાજ્યમાં સરેરાશ ૯૦ ટકા વરસાદ સામે ૯૬ ટકા ખરીફ વાવેતર
કપાસનું ૮૨ ટકા, મગફળી ૧૨૫ ટકા, ડાંગર ૧૦૨ ટકા વાવેતર આગામી સમયમાં ભારે વરસાદ પાકને પ્રતિકૂળ અસર કરશે

અમદાવાદ,તા.૦૪: રાજ્યમાં ખરીફ ઋતુમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના વિવિધ પાકનું વાવેતર ૯૬ ટકા વાવેતર નોંધાયું છે. બીજી તરફ રાજ્યમાં મોસમનો સરેરાશ ૯૦ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સ્થિતિમાં આગામી સમયમાં ભારે વરસાદ ચાલુ રહે તો ખરીફ પાકના વાવેતરને અસર કરી શકે તેવી સ્થિતિ સર્જાશે. સતત વરસાદ ચાલુ રહે તો ઉઘાડ ન મળતાં વાવેતરનો પુરતો વિકાસ થઈ શકે નહિ. હવામાન વિભાગની આગાહી મુજબ આ સપ્તાહમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે.
રાજ્યના કૃષિ નિયામક દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડામાં જણાવાયું છેકે, ખરીફ પાકના વાવેતરનો સરેરાશ વિસ્તાર ૮૫૫૭૫૧૦ હેકટર છે. જેની સામે ૧લી સપ્ટેમ્બર સુધીમાં ૮૨૩૯૭૭૬ હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે. રોકડિયા પાક કપાસનું વાવેતર આ વર્ષે ૮૨ ટકા વિસ્તારમાં થયું છે.જે સરેરાશ વાવેતર વિસ્તાર ૨૫૩૪૩૪૨ હેકટર સામે ૨૦૮૦૪૧૪ હેકટરમાં થયું છે.
ધાન્ય પાકોમાં ડાંગરનું વાવેતર ૧૦૨ ટકા નોંધાયું છે. જે ૮૭૫૯૯૯ હેકટર સામે ૮૯૭૨૨૨ હેક્ટરમાં થયું છે. બાજરીનું વાવેતર ૯૩.૮૮ ટકા થયુ છે. જે ૧૦૮૯૨ હેકટરમાં થયુ છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ સહિતના આદિવાસી જિલ્લામાં મકાઈનું વાવેતર મુખ્યત્વે થતું હોય છે. આ વર્ષે મકાઈનું વાવેતર ૯૭.૭૦ ટકા વિસ્તારમાં થયું છે. જે ૨૭૮૯૧૦ હેકટરમાં કરાયું છે. આમ ધાન્ય પાકોનું કુલ વાવેતર ૯૯.૫૮ ટકા થયું છે.
બીજી તરફ કઠોળના પાકનું વાવેતર ૧૦૬.૭૯ ટકા એટલે કે ૪૩૦૦૪૯ હેક્ટરમાં થયું છે. જેમાં તુવેરનું વાવેતર ૨૮૦૬૯૨ હેકટરમાં થતાં ૧૨૧.૯૬ ટકા વાવેતર થયું છે. મગ ૪૮૧૬૨ હેકટર ( ૭૨ ટકા), મઠ ૧૪૯૯૭હેકટર (૧૦૪.૫૮ ટકા), અડદ ૮૨૫૪૦ હેકટર (૯૫ ટકા) વાવેતર થયું છે.
તેલીબીયાંનું વાવેતર ૧૧૨.૪૬ ટકા થયું છે. જેમાં મુખ્યત્વે મગફળીનો સમાવેશ થાય છે. મગફળીનો સરેરાશ વાવેતર વિસ્તાર ૧૭૫૦૮૯૬ હેકટર સામે ૨૨૦૦૧૨૭ હેકટરમાં વાવેતર થયું છે. અન્ય પાકમાં રોકડિયા પાક કપાસ કે જેનું વાવેતર રાજ્યના લગભગ તમામ જિલ્લામાં થાય છે. જોકે અત્યાર સુધીમાં ૮૨ ટકા વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જે ૧૭૫૦૮૯૬ હેકટર સામે ૨૨૦૧૨૭૧ હેકટરમાં થયું છે. મગફળીનું સૌથી વધુ વાવેતર સૌરાષ્ટ્રમાં થાય છે. સોયાબીન ૨૭૭૩૭૮ હેકટર (૧૦૫.૫૯ ટકા), દિવેલા ૫૯૪૯૭૯ હેકટર (૮૫.૫૮ ટકા ),તલ ૪૦૫૭૨ હેકટર (૬૭.૭૦ ટકા) વાવેતર થયું છે. અન્ય પાકોનું વાવેતર ૮૨.૯૩ ટકા થયું છે. જે ૩૩૨૪૬૧૪ હેકટરમાં છે. કપાસ ઉપરાંત અન્ય પાકોનો તેમાં સમાવેશ થાય છે.જેમાં તમાકુ માત્ર ૫.૯૧ ટકા વાવેતર થયું છે. જે ૪૯૯૬૪ હેકટરના સરેરાશ વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધી ૨૯૫૧ હેકટરમાં જ છે. ગુવાર સીડ ૭૩૭૯૪ હેકટર ( ૭૫.૬૭ટકા), શાકભાજી ૨૫૨૫૯૨ હેકટર (૯૬.૨૯ ટકા ) અને ઘાસચારો ૯૧૪૮૬૩ હેકટર ( ૮૫.૯૨ ટકા ) વાવેતર થયું છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
