<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

આવક વધારવા સર્ચ પર વધુ ભાર મુકાયો સ્‍ટેટ જીએસટીના અધિકારીઓને આદેશ

આવક વધારવા માટે તાકીદનાં પગલાં ભરવા ઉચ્‍ચ અધિકારીએ આપેલી મૌખિક સૂચના

અમદાવાદ,તા.૦૪: જીએસટીની આવક વધારવા માટે સ્‍ટેટ જીએસટીના ઉચ્‍ચ અધિકારીએ સર્ચની કામગીરી વધુ કરવા માટે આદેશ કરવામાં આવ્‍યો હોવાની વિગતો જાણવા મળી છે. જોકે આ માટે થોડા સમય પહેલા ઉચ્‍ચ અધિકારીની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં આ આદેશ કરવામાં આવ્‍યો હતો. તેના કારણે હવે અધિકારીઓ દ્વારા સર્ચની કામગીરી પર વધુ ભાર આપવામાં આવ્‍યો છે. આ જ કારણોસર થોડા સમય પહેલા અડાજણના વેસ્‍ટર્ન ગ્રૂપ પર દરોડા પાડીને ૨ કરોડની જીએસટી ક્રેડિટ ખોટી રીતે લીધી હોવાનું બહાર

આવ્‍યું હતું. જોકે આગામી દિવસોમાં પણ સર્ચની કામગીરી સતત કરવામાં આવનાર છે. પહેલા પણ અધિકારીઓ દ્વારા સર્ચની કામગીરી કરવામાં આવતી જ હતી. પરંતુ મહિનામાં એકાદ બે વખત જ તે કામગીરી થતી હતી. જયારે હવેથી દર સપ્તાહમાં એકાદ બે જગ્‍યા પર સર્ચની કામગીરી કરવામાં આવનાર છે. તેમાં પણ જે પણ લોકોએ ખોટી રીતે ક્રેડિટ લીધી હોય અથવા તો ઓછો ટેક્‍સ ભર્યો હોય તેવા લોકોને શોધીને તેઓ પાસે ટેક્‍સ ભરાવવામાં આવનાર છે.

આ ઉપરાંત જાણકારોનું કહેવું છે કે દિવાળી પહેલા અધિકારીઓ દ્વારા સર્ચની કામગીરી ઓછી કરી દેવામાં આવતી હોય છે. જયારે ચાલુ વર્ષે તે કામગીરી વધુ કરીને જીએસટીની આવકમાં વધારો થાય તે માટેના પ્રયાસ કરવામાં આવનાર છે. સાથે સાથે અત્‍યાર સુધી જે પણ કોમોડીટી એટલે કે અલગ અલગ સેક્‍ટરમાં તપાસ કરવામાં આવી નહીં હોય તે કોમોડીટીમાં પણ ધ્‍યાન કેન્‍દ્રિત કરીને જીએસટી ચોરી પકડી પાડવામાં આવે. આ ઉપરાંત જે પણ લોકોએ ખોટી રીતે ક્રેડિટ લીધી હોય તેની પણ વિગતો સોફટવેરના માધ્‍યમથી શોધવામાં આવે અથવા તો તેઓ દ્વારા ભરવામાં આવેલા રિટર્નની ઊલટતપાસ કરીને ચોરીને શોધી કાઢવા માટેની તાકીદ કરવામાં આવી છે. આ કારણોસર આગામી દિવસોમાં વેપારીઓને ત્‍યાં સર્ચની કામગીરી વધુ થવાની શક્‍યતા નકારી શકાય તેમ નથી. જોકે તેની સાથે અધિકારીઓ દ્વારા વેપારીઓને ખોટી રીતે રંજાડે નહીં તેની પણ તકેદારી રાખવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે.

(9:56 AM IST)