News of Thursday, 4th September 2025
ગુજરાતભરમાં ૭ ઓકટોબરથી વિકાસ સપ્તાહઃ ભરચક્ક કાર્યક્રમો
દિવાળી પૂર્વેના દિવસોમાં પ્રજાજનોને આકર્ષવા સરકારી સિધ્ધીઓની આતશબાજી

તા. ૭મીએ યુવા દિવસ, ૮મીએ રોજગાર દિવસ, ૯મીએ પોષણ દિવસ, ૧૦મીએ ઉદ્યોગ સાહસિકતા દિવસ, ૧૧મીએ પંચાયત દિવસ, ૧ર અને ૧૩ શહેરી વિકાસ દિવસ, ૧૪મીએ પ્રાકૃતિક કૃષિ દિવસઃ તા. ૧પમીએ લોકાર્પણો-ખાતમૂહુર્તોની હારમાળાઃ આયોજનની સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ
રાજકોટ તા. ૪: ગુજરાત સરકાર દ્વારા આવતા મહિને તા. ૭ થી ૧૪ સુધી વિકાસ સપ્તાહ ઉજવી તા. ૧પમીએ ખાતમૂહુર્તો અને લોકાર્પણોની હારમાળા સર્જવાનું આયોજન થઇ રહ્યું છે. તા. ર૦ ઓકટોબરે દિવાળી છે તે પૂર્વે વિકાસલક્ષી કાર્યક્રમો દ્વારા સરકારની યોજનાઓ અને સિધ્ધીઓ લોકો સમક્ષ મૂકાશે.
બે દિવસ પહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ મંત્રીઓ અને દરેક વિભાગના વહીવટી વડાઓ સાથે બેઠક યોજી આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
રાજય સરકાર દ્વારા તા. ૭ થી ૧૪ વિકાસ સપ્તાહ અને ૧પમીએ ખાતમૂહુર્તો-લોકાર્પણોનો દિવસ નકકી કરવામાં આવ્યો છે. દરેક દિવસે અલગ-અલગ વિભાગનાં કાર્યક્રમો થશે રાજય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજાશે. વિકાસ સપ્તાહ ઉજવણી નિમિતે પદાધિકારીઓ અને અધિકારીઓ લોકોની વચ્ચે જશે.
પ્રથમ દિવસે તા. ૭ ઓકટોબરે યુવા દિવસ ઉજવાશે. તે દિવસે યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ કાર્યક્રમો યોજશે. બીજા દિવસે તા. ૮મીએ રોજગાર દિન નિમિતે રોજગાર મેળા સહિતના કાર્યક્રમો રાખેલ છે. તા. ૯મીએ પોષણ દિવસ ઉજવાશે. આ કાર્યક્રમો મહિલા અને બાળ કલ્યાણ વિભાગને લાગુ પડે છે. તા. ૧૦મીએ ઉદ્યોગ સાહસિકતા દિવસના કાર્યક્રમો થશે.
તા. ૧૧મીએ પંચાયત દિનની ઉજવણી નિમિતે પંચાયતી સંસ્થાઓને આવરી લઇને ગ્રામ વિકાસને લગતા કાર્યક્રમો થશે. તા. ૧ર અને ૧૩ શહેરી વિકાસ વિભાગ માટે નકકી કરવામાં આવ્યો છે. સરકાર વર્તમાન વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહી છે. તા. ૧૪મીએ કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી અને ખેડૂત કલ્યાણને લગતી પ્રવૃતિ થશે.
દરેક વિભાગના વિગતવાર કાર્યક્રમો નકકી થઇ રહ્યા છે. રાજયમાં તાલુકા-વિકાસ પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણી ર૦ર૬ના વર્ષના પ્રારંભે આવી રહી છે ત્યારે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિતે જનસંપર્ક અને જનકલ્યાણને લગતા કાર્યક્રમો ધ્યાન ખેંચનારા બની રહેશે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
