<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

આંગણવાડી એ માત્ર બાળ સંભાળનું કેન્‍દ્ર નહિ, બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા

ગાંધીનગર ખાતે ભાનુબેન બાબરીયાના હસ્‍તે રૂ. ૩૭.૪૮ કરોડના ખર્ચે ૨૩૩ આંગણવાડીનું લોકાર્પણ - ખાતમુહૂર્ત

રાજકોટઃ આંગણવાડી એ માત્ર બાળ સંભાળનું કેન્‍દ્ર નહિ, બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા છે તેમ જણાવતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્‍ય છે. આંગણવાડીમાં ભવિષ્‍યના નાગરિકો-બાળકોનું સુયોગ્‍ય રીતે ઘડતર કરવામાં આવે છે. આંગણવાડીમાં અદ્યતન સુવિધાઓ, પોષણયુક્‍ત આહાર, રમત સાથે બાળકોને પ્રારંભિક શિક્ષણ આપવામાં આવે છે.  મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્‍તે ગાંધીનગર ખાતેથી રૂ.૩૭.૪૭ કરોડના ખર્ચે ૨૩૩ આંગણવાડી કેન્‍દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. જેમાં મંત્રીશ્રીના હસ્‍તે રૂ.૨૦.૨૩ કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી બનેલી ૯૯ આંગણવાડી, ૧ ઘટક કચેરી, ૧સેજા કચેરીનું લોકાર્પણ તથા ૬૫ આંગણવાડી કેંદ્રોના ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત GSPCના CSR ભંડોળ અંતર્ગત Light Guage Steel Frame (LGSF) ટેક્રોલોજીના ઉપયોગથી ૧૭.૨૫ કરોડના ખર્ચે ૬૯ નવનિર્મિત આંગણવાડી કેન્‍દ્રોનું પણ લોકાર્પણ કરાયું હતું.  મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્‍ય કક્ષાએથી કરવામાં આવતી સતત સમીક્ષા, ફોલો-અપ અને સંકલન થકી આંગણવાડીના નવા મકાનોનું નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. જેના પરિણામે રાજ્‍યના હજારો નાના બાળકોને અદ્યતન સુવિધાઓ સાથેના નવા આંગણવાડી કેન્‍દ્રો ઉપલબ્‍ધ થઇ રહ્યા છે. આગામી સમયમાં પણ આ જ ગતિશીલતા સાથે આંગણવાડી કેન્‍દ્રોના પોતાના મકાનોને વધુ વિસ્‍તૃત કરી રાજ્‍યના દરેક બાળકને શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ અપાશે, તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્‍યક્‍ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્‍લાકક્ષાના ભૂલકામેળામાં ભૂલકાના કૌશલ્‍યને પ્રોત્‍સાહન આપતા વિજેતા થનાર બાળકોને મંત્રીશ્રીના હસ્‍તે ઈનામ વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું.  આ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના મેયરશ્રી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી શિલ્‍પાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્‍યશ્રી રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્‍યશ્રી જયંતિભાઈ પટેલ, ગાંધીનગર મહાનગર પાલિકાના મહિલા અને બાળ કલ્‍યાણ સમિતીના ચેરમેનશ્રી હેમાબેન ભટ્ટ ઉપસ્‍થિત રહ્યા હતા. (૪૦.૨૩)

(2:26 PM IST)