<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

જમીન ધસવાની જે સમસ્યા ઉત્તરકાશી અને જોશીમઠમાં હતી તે હવે ગુજરાતના અમદાવાદ અને સુરત જેવા શહેરો પર પણ આવવા લાગતા લોકોમા ચિંતા

અમદાવાદના બોપલ અને વટવા વિસ્તારોમાં આ દર વાર્ષિક 3.5 સેન્ટિમીટર હતો,સુરત પણ આનાથી પાછળ નથી 2014 અને 2020 ની વચ્ચે અહીં વાર્ષિક 0.01 થી 6.7 સેન્ટિમીટર જમીન ધસી રહી હોવાનું નોંધાયું હતું જેમાં કરંજ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો'તો

અમદાવાદ તા.૪ : આપણા કારણે દિવસે દિવસે કુદરતી અસંતુલન સર્જાઈ રહ્યું છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, જમીન ધસવાની જે સમસ્યા ઉત્તરકાશી અને જોશીમઠમાં હતી, તે હવે ગુજરાતના અમદાવાદ અને સુરત જેવા શહેરો પર પણ આવી રહી છે.

     આજથી લગભગ અઢીથી ત્રણ વર્ષ પહેલાં, ઉત્તરાખંડના જોશીમઠ અને ઉત્તરકાશીમાં જમીન ધસી હોવાની એક ઘટના પ્રકાશમાં આવી હતી. જમીન ધસવાને કારણે ઘરોમાં તિરાડો દેખાવા લાગી અને નવા કુદરતી સંકટની ઘટનાઓ સામે આવી છે. તેમ છતાં, તેમાંથી કોઈ પાઠ શીખવા મળ્યો નહીં.

હવે આ ગંભિર પરિસ્થિતિ દેશના મેદાન ધરાવતા વિસ્તારમાં પણ દેખાવા લાગી છે. આવા ચોંકાવનારા સમાચાર ગુજરાતમાંથી પણ આવ્યા છે. એક સંશોધનમાં બહાર આવ્યું છે કે, ગુજરાતના ઘણા શહેરોમાં જમીન ધસી રહી છે. આપણા રાજ્યમાં પણ જમીન ધસવાનો વાર્ષિક દર આઘાતજનક છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને કચ્છની સ્થિતિ ખૂબ જ ગંભીર રીતે બહાર આવી છે. 

ભૂગર્ભજળને અતિશય રીતે જમીનમાંથી કાઢવું અને ભૂગર્ભીય ફેરફારોને કારણે, ભારતના ઘણા શહેરો અને નગરો (ગુજરાતથી પશ્ચિમ બંગાળ, પંજાબથી આસામ, કેરળથી હિમાલય સુધી) ધીમે ધીમે જમીન ધસવાની પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે. 

દેહરાદૂન સ્થિત યુનિવર્સિટી ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી સ્ટડીઝ (UPES) ના સંશોધકો અલિમ્પિકા ગોગોઈ, ગિરીશ કોઠિયારી અને અતુલ કુમાર પાટીદારે તાજેતરમાં જિયોસિસ્ટમ્સ એન્ડ જીઓએનવાયરમેન્ટ (2025) માં પ્રીપ્રિન્ટ તરીકે પ્રકાશિત થયેલા સમીક્ષા અભ્યાસમાં આ ગંભીર ભય તરફ ધ્યાન દોર્યું છે. આ અહેવાલ વર્ષોથી કરવામાં આવેલા સ્વતંત્ર અભ્યાસોને એકત્રિત કરીને એક વ્યાપક ચિત્ર રજૂ કરે છે. આ વિષય પર, સિંગાપોરની નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી (NTU) એ પણ ઘણા દરિયાકાંઠાના શહેરોમાં જમીન ધસવાનો ડેટા એકત્રિત કર્યો છે. 

'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના અહેવાલ મુજબ, ઘણા અભ્યાસોએ અમદાવાદમાં સતત જમીનના ધસાવાની પ્રક્રિયા રેકોર્ડ કરી છે. 2017 અને 2020 ની વચ્ચે, ત્રણ મુખ્ય ભૂસ્ખલન ક્ષેત્રો ઓળખવામાં આવ્યા હતા, જ્યાં વાર્ષિક 2.5 સેન્ટિમીટર જમીન ધસી રહી હતી. 2014 અને 2020 ની વચ્ચે, NTU ના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, પીપળજ વિસ્તારની જમીન પ્રતિ વર્ષ 4.2 સેન્ટિમીટરના દરે ધસી રહી છે. 

આ ઉપરાંત, 2020-2023 ના તાજેતરના અહેવાલ મુજબ, અમદાવાદના બોપલ અને વટવા વિસ્તારોમાં આ દર વાર્ષિક 3.5 સેન્ટિમીટર હતો. સુરત પણ આનાથી પાછળ નથી. 2014 અને 2020 ની વચ્ચે, અહીં વાર્ષિક 0.01 થી 6.7 સેન્ટિમીટર જમીન ધસી રહી હોવાનું નોંધાયું હતું, જેમાં કરંજ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો હતો.

(4:19 PM IST)