તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 4th September 2025
વડોદરાની MS યુનિવર્સીટીમાં બોગસ પીએચડી ડિગ્રી મામલે વિજય શ્રીવાસ્તવ સામે FIRની માંગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રાજ્ય સરકાર અને યુનિવર્સિટી વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા: આ ઘટનાને શિક્ષણ જગતની પ્રતિષ્ઠાને કલંકિત કરનારું ગણાવી

વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ વિજય કુમાર શ્રીવાસ્તવની પીએચડી ડિગ્રી બોગસ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રાજ્ય સરકાર અને યુનિવર્સિટી વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. દોશીએ આ ઘટનાને શિક્ષણ જગતની પ્રતિષ્ઠાને કલંકિત કરનારું ગણાવીને રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં પણ આવા કૌભાંડોની તપાસની માંગ કરી છે.
જાન્યુઆરી 2025માં પોતાના કાર્યકાળના એક મહિના પહેલા રાજીનામું આપનાર વિજય કુમાર શ્રીવાસ્તવે 2022થી 2025 દરમિયાન MSUના કુલપતિ તરીકે ફરજ બજાવી હતી. તેમણે પોતાની શૈક્ષણિક લાયકાતના ભાગરૂપે ઝાંસીની બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી 2000માં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પીએચડી ડિગ્રી મેળવ્યાનો દાવો કર્યો હતો. જોકે, MSUના શિક્ષણ વિભાગના પ્રોફેસર સતીશ પાઠકે આ ડિગ્રીની સત્યતા પર સવાલ ઉઠાવ્યા અને બુંદેલખંડ યુનિવર્સિટી પાસેથી વેરિફિકેશન રિપોર્ટ મેળવ્યો. આ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે શ્રીવાસ્તવની પીએચડી ડિગ્રી નકલી છે, જેના આધારે તેમની નિમણૂક "શરૂઆતથી જ રદબાતલ" ગણવી જોઈએ, એવી રજૂઆત પાઠકે રાજ્ય શિક્ષણ વિભાગ અને MSU રજિસ્ટ્રારને કરી છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ મામલે આકરું વલણ અપનાવતા જણાવ્યું કે, "વિજય શ્રીવાસ્તવની બુંદેલખંડ યુનિવર્સિટીની પીએચડી ડિગ્રી અને પદવી સાચી નથી. આ ગંભીર કૌભાંડ છે, જે ગુજરાતના શિક્ષણ જગતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે." તેમણે ઉમેર્યું, "સ્થાનિક સંગઠનો અને પ્રોફેસર સતીશ પાઠકે આ મુદ્દે અનેક રજૂઆતો કરીને પરંતુ રાજ્ય સરકારે કોઈ પગલાં લીધા નથી. વડી અદાલતમાં તારીખ પે તારીખ ચાલી પરંતુ ન્યાય મળ્યો નથી. સરકારના કોઈ અધિકારી આ મામલે બોલવા તૈયાર નથી."
દોશીએ વધુમાં માંગ કરી કે, "રાજ્યની બધી યુનિવર્સિટીઓમાં ખોટી પદવીઓ દ્વારા નિમણૂક પામેલા કુલપતિઓની તપાસ થવી જોઈએ. વિજય શ્રીવાસ્તવના કાર્યકાળ દરમિયાન લેવાયેલા તમામ નિર્ણયોની તપાસ થાય અને MSUએ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવી જોઈએ." તેમણે શ્રીવાસ્તવના કાર્યકાળ દરમિયાન મેળવેલા પગાર, ભથ્થાં અને વિદેશી પ્રવાસના ખર્ચની વસૂલાતની પણ માંગ કરી.
પ્રોફેસર સતીશ પાઠકે આ મામલે લાંબા સમયથી સંઘર્ષ ચલાવ્યો છે. તેમણે શ્રીવાસ્તવની શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવતા 2023થી વડોદરા પોલીસ, ગુજરાત વિજિલન્સ કમિશન, UGC અને વડી અદાલતમાં રજૂઆતો કરી હતી. પાઠકે જણાવ્યું કે શ્રીવાસ્તવની નિમણૂક UGCના 2018ના નિયમોનું ઉલ્લંઘન કરે છે, કારણ કે કુલપતિ પદ માટે ઓછામાં ઓછા 10 વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ જરૂરી છે, જે શ્રીવાસ્તવ પાસે ન હતો.
પાઠકે બુંદેલખંડ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પાસેથી મેળવેલા વેરિફિકેશન રિપોર્ટના આધારે શ્રીવાસ્તવની પીએચડી ડિગ્રી નકલી હોવાનું સાબિત થયું. તેમણે MSU રજિસ્ટ્રારને પત્ર લખી, શ્રીવાસ્તવ સામે છેતરપિંડી, નકલી દસ્તાવેજ અને ખોટી શપથપત્રના આરોપ હેઠળ FIR નોંધવાની માંગ કરી છે. આ ઉપરાંત, તેમણે શ્રીવાસ્તવના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયો રદ કરવા અને તેમના પગાર, ભથ્થાં અને અન્ય લાભોની વસૂલાતની માંગ કરી છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
