તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર સરકારી વાહનમાં દારૃની ખેપ મારતા ઝડપાયા
૧,૦૦,૦૬૦નો મુદ્દામાલ કબ્જે કરાયોઃઆબુથી દારૃ ગાડીમાં લઈને આવતા બોટાદ પહોંચતાં જ LCBએ ત્રણેય શખ્સોને ઝડપીને જેલ હવાલે કર્યા છે

બોટાદ, તા.૪
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયેલા બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર અને બે જવાન પરત ફરતાં સમયે સરકારી વાહનમાં દારુ સાથે ઝડપાતાં ચકચાર મચી છે.
કમાન્ડિંગ ઓફિસર દશરથ ચૌહાણ અને હોમગાર્ડ જવાન દિલીપ સોલંકી અને પ્રશાંત ચૌહાણે સરકારી વાહનમાં આબુથી દારુ અને બિયરનો જથ્થો ભર્યો હતો. બોટાદ પહોંચતાં જ LCBએ પૂર્વ બાતમીના આધારે ત્રણેયને શહેરના ખસ રોડ મિલેટ્રી રોડ પરથી ઝડપી પાડ્યા હતા.
બોટાદ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ એક મોટા ઓપરેશનમાં સરકારી વાહનનો દુરુપયોગ કરી વિદેશી દારૃની હેરાફેરી કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે LCB ટીમે વોચ ગોઠવીને હોમગાર્ડ યુનિટની સરકારી ગાડી ટાટા સુમોને અટકાવી હતી અને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૃ ૨૫ બોટલ અને બિયરના ૭૬ ટીન જપ્ત કર્યો છે. આ ઘટનામાં બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર સહિત હોમગાર્ડ જવાનો મળી કુલ ૩ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી કુલ રૃપિયા ૧,૦૦,૦૬૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે બોટાદ LCBના ઈન્ચાર્જ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર એસ.બી.સોલંકી અને તેમના સ્ટાફને ગુપ્ત બાતમી મળી હતી કે બોટાદ જિલ્લા હોમગાર્ડના સરકારી વાહન ટાટા સુમો (રજી. નંબર GJ-૦૧-GA-૦૨૨૪)માં વિદેશી દારૃનો જથ્થો ભરીને આબુથી બોટાદ લાવવામાં આવી રહ્યો છે. આ વાહન અંબાજી ખાતે બંદોબસ્તમાં ગયેલા હોમગાર્ડ જવાનોના બીલની ચુકવણી કરીને પરત ફરી રહ્યું હતું. વાહનની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૃ અને બિયરનો જથ્થો મળ્યો હતો, સરકારી વાહન હોવાથી ટાટા સુમોને તપાસ અર્થે કબજે કરવામાં આવ્યું નથી. આરોપીઓએ કબૂલ્યું કે તેઓ આ જથ્થો આબુથી લાવ્યા હતા, ત્યારે હાલમાં ત્રણેય આરોપી વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(ઈ), ૯૮(૨), ૧૧૬-બી અને ૮૧ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
