<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

ગુજરાતના રાજકારણના સંદર્ભમાં જાહેર સભાના માધ્યમથી અમિતભાઈ શાહ કોઈ મોટો સંકેત આપી ગયા: રાજકીય અટકળ તેજ

સંબોધનમાં જે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કરાયો એ જોતા ગુજરાતનું રાજકારણ ગરમાયું કેન્દ્રીય ગૃહમંત્રીએ બે નામનો ત્રણ વખત પુનરોચ્ચાર કર્યો

અમદાવાદ : હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મોટાભાગે જાહેર સભાઓમાં સંબોધન કરી વિપક્ષને આડે હાથ લેતા હોય છે. પણ 31 ઓગસ્ટના રોજ સાંજે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર ખાતે સંબોધેલી જાહેર સભા રાજકીય દ્રષ્ટિએ વધુ ધ્યાન ખેંચનારી બની ગઈ છે. ગુજરાતના રાજકારણના સંદર્ભમાં જાહેર સભાના માધ્યમથી અમિતભાઈ  શાહ કોઈ મોટો સંકેત આપી ગયા હોવાનું રાજકીય ગલિયારામાં ચર્ચાઈ રહ્યું છે.  

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ 30 અને 31 ઓગસ્ટના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર હતા. આ બે દિવસના તેમના પ્રવાસ દરમિયાનના કાર્યક્રમો પૈકી 31મીએ ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે ગૃહ વિભાગના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પનો જાહેર કાર્યક્રમ હતો. આ માટે ખાસ સ્ટેજ અને ડોમ તૈયાર કરાયા હતા અને મંચ પરથી કેન્દ્રીય ગૃહમંત્રીએ સંબોધન પણ કર્યું. આ સંબોધન દરમિયાન અમિત શાહે બે નામનો ત્રણ વખત પુનરોચ્ચાર કર્યો અને આ સંબોધન ગુજરાતના રાજકારણ માટે એક સંકેત સમાન બની ગયું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તેમના સંબોધનમાં ત્રણ વખત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કર્યો. તેમના સંબોધનનો સાર એ હતો કે ભૂપેન્દ્રભાઈ  પટેલ અને હર્ષ સંઘવીની જોડીએ ગુજરાતને સલામત રાખ્યું છે અને ક્રાઈમ રેટ ઘટાડવામાં ગુજરાત આ જોડીના કારણે અગ્રેસર રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ચીલો ચાતરેલો એને આગળ વધારવાનું કામ આ જોડી કરી રહી હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું. 

કેન્દ્રીયમંત્રીના ઉપરોક્ત સંબોધનમાં જે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કરાયો છે, એ જોતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ સંબોધનને આધારે રાજકીય રીતે વિવિધ અનુમાનો અને સંભાવનાઓનો દૌર શરૂ થઈ ચૂક્યો છે. મોટાભાગના નેતાઓ અને રાજકીય વિશ્લેષકો એવું સ્પષ્ટપણે માની રહ્યા છે કે અમિત શાહ આ સંબોધનથી કોઈ ચોક્કસ સંકેત આપી ચૂક્યા છે. જોકે અમિત શાહે ગૃહ વિભાગની કામગીરી વખાણી તે પાછળના કારણો પણ છે. ગૃહ રાજ્યમંત્રી તરીકે બહુ નાની ઉંમરમાં અને બહુ ટૂંકા ગાળામાં હર્ષ સંઘવીએ ઝડપી કામગીરી કરી રાજકીય ક્ષેત્રે ઊંડા મૂળિયા નાખી દીધા છે. 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વાત કરીએ તો મૃદુ અને સરળ સ્વભાવના મુખ્યમંત્રી "દાદા" ના હુલામણા નામથી પ્રજામાં લોકપ્રિય થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રીની સાદગી અને સરળતા સૌને સ્પર્શી રહી છે અને સૌથી મહત્વનું કે ભૂપેન્દ્રભાઈ  પટેલ મુખ્યમંત્રી તરીકે એક સ્વચ્છ છબી જાળવી રાખવામાં સફળ રહ્યા છે. આવા સ્વચ્છ મુખ્યમંત્રી સાથે કાર્યદક્ષ ગૃહ રાજ્યમંત્રીની જોડી કેન્દ્રીય ગૃહમંત્રીએ બનાવી છે ત્યારે આ જોડી અને આ જોડીનો ઉલ્લેખ રાજકીય બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. 

મુખ્યમંત્રી જે પ્રકારે નિર્વિવાદ રીતે સરકાર ચલાવી રહ્યા છે તે તો સૌ જાણે છે પણ ગૃહ વિભાગની કામગીરી પર નજર કરીએ તો એટલું તો ચોક્કસ ઉડીને આખે વળગે કે ટૂંકા ગાળામાં ગૃહ વિભાગે નોંધપાત્ર કામગીરી કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ડાયલ 112 પ્રોજેક્ટ, જે પ્રત્યેક રાજ્યમાં લાગુ કરવા કેન્દ્ર સરકાર તરફથી આદેશ કરાયો હતો એ પ્રોજેક્ટને આદેશના માત્ર 6 માસમાં જ ગુજરાતમાં લાગુ કરવામાં ગૃહ વિભાગે ઝડપી કામગીરી કરી. પરિણામે ડાયલ 112 પ્રોજેક્ટ લાગુ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યુ. ગુજરાતમાં કોમનવેલ્થ ના આયોજન માટે બિડ કરવાની જવાબદારી પણ રમત ગમત મંત્રી તરીકે હર્ષ સંઘવીના શિરે છે અને આ જવાબદારી અંતર્ગત હર્ષ સંઘવી વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. આ ઉપરાંત અસામાજિક તત્વો સામે ઝુંબેશ છેડી પોલીસ ની કડક કાર્યવાહી દાખલારૂપ સાબિત થઈ રહી છે. તાજેતરમાં જ વડોદરામાં ગણેશ ઉત્સવ દરમિયાન મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોને પોલીસે ઝડપી લઈ સરઘસ સ્વરૂપે શહેરમાં ફેરવી જાહેરમાં માફી મગાવી હતી. ડ્રગ્સ સામેની લડાઈમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પોલીસ સ્ટેશનોની રચના કરાઈ તેમજ કરોડોનું ડ્રગ્સ અને ડ્રગ્સ પેડલર્સ ને ઝડપી લેવામાં આવ્યા. ડ્રગ્સ સહિતના દુષણો સામે હજુ પણ પોલીસની કડક કાર્યવાહી સતત ચાલતી રહે છે. રાજ્યમાં પોક્સો ના કેસોમાં આજીવન કેદ અને ફાંસી સુધીની કડક સજા ના દાખલા જોવા મળી રહ્યા છે તેમજ મોટા ભાગના ગુનાઓમાં પોલીસ ઝડપી ચાર્જશીટ પણ કરી રહી છે. 

રાજ્યની એસટી બસોની પરિસ્થિતિ પણ સુધરી છે અને આધુનિક સુવિધાઓ ધરાવતી 3000થી વધુ એસટી બસો પણ રોડ પર મૂકવામાં આવી છે. એસટી બસોમાં દૈનિક મુસાફરોની સંખ્યા 25 લાખથી વધીને દૈનિક 27 લાખ સુધી પહોંચી છે. I - PRAGTI પોર્ટલ હેઠળ હવે ફરિયાદીઓ ને પોતાના કેસની પ્રગતિની વિગતો ઘેર બેઠા SMS મારફત મળી રહી છે. ગુજરાત પોલીસને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવાનો યશ હર્ષ સંઘવીને ચોક્કસપણે આપવો પડે. તાજેતરમાં જ ગુજરાત પોલીસના કાફલામાં 50 QRT બાઈકનો ઉમેરો કરાયો. ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ક્વિક રિસ્પોન્સ માટે આ બાઈક ખાસ ઉપયોગમાં લેવાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલની નજીકના ગણાતા હર્ષ સંઘવી લાંબી રેસનો ઘોડો છે એ તો સૌ કહેતા હતા પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના નામનો જાહેર મંચ પરથી ઉલ્લેખ કરી સૌને વિચારતા કરી મૂક્યા છે. જોકે કેન્દ્રીય ગૃહમંત્રીના આ નિવેદનથી ગૃહ રાજ્યમંત્રી નું રાજકીય ભવિષ્ય અત્યંત ઊજળું હોવાનો સંકેત મળ્યો હોવાનું મોટા ભાગના રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

(7:01 PM IST)