News of Friday, 5th September 2025
શિક્ષક સમાજનો એવો સ્તંભ છે જે દેશના ભવિષ્યને ઘડવાનું કાર્ય કરે છે : ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ
નાંદોદ ધારાસભ્યના અધ્યક્ષસ્થાને શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપલા ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે ૫મી સપ્ટેમ્બરના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને જિલ્લા તથા તાલુકા સ્તરે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક વિતરણ તેમજ નિવૃત્ત શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, શિક્ષકોના માર્ગદર્શનથી જ વિદ્યાર્થીઓ સમાજના જવાબદાર નાગરિક બની શકે છે. આજે અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચ્યા છે અને વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી ઘડી ચૂક્યા છે. શિક્ષક સમાજનો એવો સ્તંભ છે જે દેશના ભવિષ્યને ઘડવાનું કાર્ય કરે છે. વિદ્યાર્થીઓની સફળતાની ખુશી માતા-પિતા સાથે શિક્ષકોને પણ તેટલી જ થાય છે. પોતાના શાળાકાળના દિવસોને યાદ કરતાં તેમણે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના આદર્શોને યાદ કરીને વિદ્યાર્થીઓના શિક્ષણને કેન્દ્રમાં રાખનારા નર્મદા જિલ્લાના શિક્ષકોના બહુમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી.
વધુમાં તેઓએ ઉમેર્યુ કે, આજના સમયમાં શિક્ષણનું મહત્વ વધ્યું છે, ત્યારે બાળકોને પણ શિક્ષણમાં રસ દાખવવા પ્રોત્સાહિત કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓએ પણ એક લક્ષ્ય નિર્ધારિત કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધવા તેમજ મોબાઇલનો ઉપયોગ માત્ર અભ્યાસ માટે માટે કરવો જોઈએ. “સ્ટાર્ટઅપ ઇન્ડિયા” થકી યુવાનો કેવી રીતે સફળ થઇ રહ્યાં છે તેની ચર્ચા કરતાં નર્મદા જિલ્લાના યુવાનોને પણ સરકારની યોજનાઓ તથા તકનો લાભ લઇને આગળ આવવા પ્રેરિત કર્યા હતાં. વધુમાં, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા યોગદાન આપવા પણ તેમણે આહ્વાન કર્યું હતું.
આ અવસરે, દેડિયાપાડા તાલુકાની પ્રાથમિક શાળા પાનખલા (મ.શિ.) ના શિક્ષક મનહરભાઈ બારીયા તથા સરકારી માધ્યમિક શાળા ઉમરાણના શિક્ષક સુમિતકુમાર ચૌધરીને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ-પ્રશસ્તિપત્ર, શાળ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સાથે જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર આપી અને વયનિવૃત્ત થયેલા આચાર્યો તથા શિક્ષકોનું પણ ગૌરવભેર સન્માન કરાયું હતું.
આ સન્માન સમારોહ શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા શિક્ષકો તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત તથા નૃત્યપ્રસ્તુતિઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું.
આ તકે, જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલે સ્વાગત પ્રવચન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેએ આભારદર્શન કર્યા હતા. કાર્યક્રમાં આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવા, મંજુલાબેન ચૌધરી સહિત જિલ્લાના વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
