News of Saturday, 6th September 2025
ગુજરાત રાજય અધ્યાપક મહામંડળની શિક્ષણમંત્રીને રજુઆત
અધ્યાપક સહાયકોને અનુસ્નાતક શિક્ષકની માન્યતા આપવા શિક્ષણમંત્રીને રજુઆત

રાજકોટ તા.પઃ ગુજરાત રાજય અધ્યાપક મહામંડળ દ્વારા શિક્ષણમંત્રીને રજુઆત કરીને અનુસ્નાતક શિક્ષક તરીકે માન્યતા આપવા માંગ કરી છે. ગુજરાત રાજય અધ્યાપક મહામંડળે યાદીમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ની અમલવારી સમગ્ર દેશમાં ગુજરાતમાં આવેલી તમામ યુનિવર્સિટીમાં થઈ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં મુખ્યત્વે ઉચ્ચ શૈક્ષણિકં સંસ્થાઓમાં સંશોધન ક્ષેત્રે વિકાસ થાય તે માટે ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી-રહી છે તે જોતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંપૂર્ણપણે સફળ થશે કે કેમ તે અંગે-પ્રશ્નાર્થ ઉભો થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એફિલેટેડ કોલેજોમાં અધ્યાપક સહાયકોને અનુસ્નાતક શિક્ષક તરીકેની માન્યતા લાંબા સમયથી માંગણી હોવા છતાં આપવામાં આવી રહી નથી. આ યુનિવર્સિટીમાં અન્ય એક ગંભીર બાબત ધ્યાનમાં. આવી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એફઇલેટેડ કોલેજોના જે અધ્યાપકો પીએચડી ગાઈડશીપની માન્યતા ધરાવે છે તે અધ્યાપકોને પીએચડી કરવા માટે વિદ્યાર્થીઓને ફાળવવામાં આવી રહ્યા નથી. જો આ પ્રમાણે વિદ્યાર્થીઓને ફાળવવામાં નહીં આવે તો આ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓનો સંશોધન ક્ષેત્રે વિકાસ રુંધાઈ જશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સફળ અમલ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા સાથે સાથે રાજ્યના તમામ અધ્યાપકો, શિક્ષણવિદો ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે ત્યારે સંશોધન ક્ષેત્રે સંલગ્ન કોલેજોના અધ્યાપકોને જ લાંબા સમયથી દૂર રાખ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નો જો સફળ અમલ કરવો હોય તો આ સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવું જ જોઈએ.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
