<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો : એસ.જી હાઈવે, ગોતા, થલતેજ, બોપલ,ઘુમા, શેલા, પાલડી, મણિનગર, એરપોર્ટ, સરદારનગર, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વૈષ્ણોદેવી,વસ્ત્રાપુર,જોધપુર, ઇસનપુર વગેરે જેવા વિસ્તારોમાં પાણી પાણી

વરસાદ પડતા લોકોને ઉકળાટ ભર્યા વાતાવરણથી ઠંડક મળી છે. જો કે વિઝિબલિટી ઘટતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો : ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા

 અમદાવાદ તા.૬

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રજ્યમાં મેઘમહેર થઇ રહી છે ત્યારે આજે બપોરે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના એસ.જી હાઈવે, ગોતા, થલતેજ, બોપલ,ઘુમા, શેલા, પાલડી, મણિનગર, એરપોર્ટ, સરદારનગર, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વૈષ્ણોદેવી,વસ્ત્રાપુર,જોધપુર, ઇસનપુર વગેરે જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા લોકોને ઉકળાટ ભર્યા વાતાવરણથી ઠંડક મળી છે. જો કે વિઝિબલિટી ઘટતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. 

હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પાટણ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 

 

રાજ્યમાં છેલ્લા 8 કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 8 કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધી 6.20 ઈંચ વરસાદ નોંધાયો. રાજકોટના પડધરીમાં 3.15 ઈંચ વરસાદ, રાજકોટના જામકંડોરણામાં 2.85 ઈંચ વરસાદ, પોશીનામાં 2.72 ઈંચ તો તલોદ, પ્રાંતિજમાં 2.52 ઈંચ વરસાદ, રાજ્યના 5 તાલુકાઓમાં 2 ઈંચથી વધુનો વરસાદ અને 18 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

(4:31 PM IST)