News of Saturday, 6th September 2025
રાજયનાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગનો સપાટો : બનાસકાંઠાના ચંડીસરમાંથી 35 લાખથી વધુનું ભેળસેળવાળું ઘી જપ્ત : બે નમૂના લેબોરેટરીમાં મોકલાયા
અગાઉની રેડ બાદ પણ ભેળસેળ ચાલુ! : ભાવેશ ચોખાવાલા નામના વેપારીના ગોડાઉન પરથી 'ગુમર બ્રાન્ડ' અને લેબલ વગરના ઘીનો 5.5 ટન જથ્થો સીઝ કરાયો : પામ ઓઈલની ભેળસેળની આશંકા

ગાંધીનગર: ગુજરાત રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સલામત આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે. તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ, બનાસકાંઠા જિલ્લાના ચંડીસર ખાતે એક વેપારીની પેઢી પર દરોડા પાડીને 35 લાખ રૂપિયાથી વધુની કિંમતનું આશરે 5.5 ટન ભેળસેળયુક્ત ઘી જપ્ત કરવામાં આવ્યું છે.
અગાઉની રેડ બાદ પણ ભેળસેળ ચાલુ:
તંત્ર દ્વારા જૂન-2025 દરમિયાન ચંડીસરમાં આવેલી શ્રી સેલ્સ નામની પેઢી પર રેડ કરીને 3.5 લાખ રૂપિયાથી વધુનો 650 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ પણ વેપારીની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રહેતા, તંત્ર દ્વારા તેના પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. 5 સપ્ટેમ્બર, 2025ના રોજ વહેલી સવારે ચંડીસર GIDC વિસ્તારના એક ખાનગી ગોડાઉન પર અચાનક રેડ કરવામાં આવી હતી.
મોટી માત્રામાં ઘી જપ્ત:
ગોડાઉનની તપાસ કરતાં 'ગુમર બ્રાન્ડ'ના ઘીના 15 કિલોના 124 ટીન અને લેબલ વગરના 15 કિલોના 232 ટીન મળી આવ્યા હતા. આ સમગ્ર જથ્થામાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે ઘીના બે નમૂના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, અને બાકીનો આશરે 5.5 ટનનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયાથી વધુ છે.
તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીમાં ઘી કે અન્ય કોઈ રો-મટીરિયલ્સનો જથ્થો મળ્યો ન હતો, પરંતુ પામ ઓઈલના ખાલી બોક્સનો જથ્થો હાજર જોવા મળ્યો હતો, જેના પરથી ઘીમાં પામ ઓઈલની ભેળસેળની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે, અને તંત્ર દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
