News of Saturday, 6th September 2025
અમદાવાદમાં પવન સાથે ધોધમાર વરસાદ: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
શહેરના બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઇટ અને પકવાન ચાર રસ્તા સહિત અનેક વિસ્તારમાં વરસાદ

અમદાવાદમાં પવન સાથે વરસાદ શરુ થયો હતો. જેમાં શહેરના બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઇટ અને પકવાન ચાર રસ્તા સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. સૌથી વધુ બાકરોલ, જોધપુર, ઉસ્માનપુરામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. મણિનગર અને ઓઢવમાં 1.25 ઇંચ વરસાદ, સરખેજ, બોડકદેવ, થલતેજ, બોપલમાં 1-1 ઇંચ વરસાદ, વાસણા, મેમનગર, નરોડા, સરદારનગરમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રજ્યમાં મેઘમહેર થઇ રહી છે ત્યારે આજે બપોરે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના એસ.જી હાઈવે, ગોતા, થલતેજ, બોપલ,ઘુમા, શેલા, પાલડી, મણિનગર, એરપોર્ટ, સરદારનગર, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વૈષ્ણોદેવી,વસ્ત્રાપુર,જોધપુર, ઇસનપુર વગેરે જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા લોકોને ઉકળાટ ભર્યા વાતાવરણથી ઠંડક મળી છે. જો કે વિઝિબલિટી ઘટતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પાટણ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
