<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

નર્મદાના કરજણ ડેમના પાણીથી હજરપુરા, ભચરવાડા ગામની ત્રણ દિવસમાં 30 એકર કાંઠાની જમીનોનું ધોવાણ થતા પ્રોટેક્શન વોલ બનાવવા ખેડૂતોની માંગ

જો સરકાર આગામી વર્ષમાં ભરચરવાડા, હજરપુરા ની સીમમાં પ્રોટેક્શન વોલ નહિ બનાવે તો વધુ 40 થી 50 એકર જમીનોનું ધોવાણ થશે ની ભીતિ

( ભરત શાહ દ્વારા )  નર્મદા: નર્મદા જિલ્લાના કરજણ ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 4 ગેટ 2 મીટર ખુલ્લા કરી ને 55,388 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું આ સાથે આગાઉ થી સતત પડતા વરસાદ ને કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે. આ ઉપરાંત નર્મદા નદીમાં પણ 5.52 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તોરાણા, ધાનપોર ગામથી નર્મદા નદીને મળતી કરજણ નદીમાં નર્મદાનું પાણી બેક આવતા હજરપુરા અને ભચરવાડા ગામના કાંઠાના ખેતરોને વ્યાપક નુકસાન થયું છે. પાણી કાંઠાના ખેતરોમાં ભરાઈ ગયું અને કેળાના પાકને મોટું નુકસાન પહોચાડ્યું હતું. એટલું જ નહિ બે કાંઠે વહેતી નદી ને કારણે કાંઠાના ખેતરો કેળાના પાક સાથે ધોવાઈ ગયા છે. 8 થી 10 ફુટ ખેતરો ધોવાઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, આતો ખેતરો ધીરે ધીરે નકક્ષા માંથી ભૂંસાઈ જવા લાગ્યા એટલે ખેડૂતોની ચિંતા વધી છે અને પ્રોટેક્શન વોલ ની માંગ ઉઠી છે. નહી તો આગામી દિવસોમાં કાંઠાના એક પણ ખેતરો રહેશે નહિ. એવી ભીતિ સેવાઈ રહી છે.

  ભચરવાડા ગામના ચંદ્રેશભાઇ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધી ગમે તેટલું પાણી આવે પણ ખેતર ધોવાણ ક્યારે થતું નહોતું પરંતુ જયારથી કરજણ નદીમાં ડેમનું પાણી છોડાય ત્યારે નર્મદા કરજણ ના પાણી જમીનોના ધોવાણ કરવા લાગ્યા, આજે અમે હજરપુરા, ભચરવાડા ગામના લોકો ભેગા થઇ ને સરકાર ને એક વિરોધ પ્રદર્શન કરી જાણ કરવા માંગીએ છે કે ત્રણ દિવસ ના વરસાદમાં  ઘણી જમીનો ધોવાઈ ગઈ કેટલાય ખેડૂતો તો જમીન વગરના થઇ ગયા છે. અત્યાર સુધીમાં 30 થી 40 એકર જમીનો ને નુકસાન થયું છે. જો વહેલી તકે પ્રોટેક્શન દીવાલ નહિ બનાવવામાં આવે તો આવનારા દિવસો માં 40 થી 50 એકર જમીન વધુ ધોવાઈ જશે


 

(10:10 PM IST)