<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

તાંત્રિક સહિતના આરોપીઓ, માનવ કંકાલ શોધી કાઢવામાં અન્ય જિલ્લા પોલીસને મદદરૂપ થનારી પોલીસ ટીમને 4.15 લાખના રોકડ પુરસ્કાર

સ્વજનો સહિત 12 લોકોની હત્યા કરનારા તાંત્રિકને પકડનારી પોલીસ ટીમને ઈનામ અપાશે : ગૃહ મંત્રાલયએ લાખોના રોકડ પુરસ્કારની આપી મંજૂરી

અમદાવાદ :વૉન્ટેડ આતંકીઓ, અપરાધીઓ, ડ્રગ્સ માફિયા તેમજ બુટલેગરને પકડવા માટે જરૂરી માહિતી મેળવવા ગુજરાત પોલીસ અનેક વખત રોકડ પુરસ્કારની જાહેરાત કરતી હોય છે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને પણ નોંધપાત્ર કામગીરી માટે જિલ્લા/શહેર પોલીસના વડા અથવા ડીજીપી ગુજરાત ઈનામ આપતા હોય છે. ડિસેમ્બર-2024માં અમદાવાદની સરખેજ પોલીસ ટીમ તેમજ ડીસીપી સ્કવૉડે તાંત્રિક નવલસિંહ ચાવડાને પકડી એક ડઝન હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. તાંત્રિક સહિતના આરોપીઓ તેમજ માનવ કંકાલ શોધી કાઢવામાં અન્ય જિલ્લા પોલીસને મદદરૂપ થનારી પોલીસ ટીમને 4.15 લાખના રોકડ પુરસ્કાર આપવા ગૃહ મંત્રાલયે મંજૂરી આપી છે.

ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં એસપીથી લઈને DGP Gujarat સુધીના અધિકારીઓ દ્વારા અપાતા રોકડ પુરસ્કારની એક ચોક્કસ મર્યાદા નક્કી કરી છે. 20 હજારથી કોઈ પોલીસ અધિકારી/કર્મચારીએ નોંધપાત્ર અથવા અતિ વિશિષ્ટ કામગીરી કરી હોય તો પોલીસ બેડાને પ્રોત્સાહન આપવા મોટી રકમના રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. NDPS તેમજ કુખ્યાત આરોપીને પકડી પાડનારી પોલીસ ટીમને ભૂતકાળમાં લાખો રૂપિયાના રોકડ ઈનામ અપાઈ ચૂક્યાં છે. જિલ્લા/શહેરના પોલીસ વડા કોઈ પોલીસ અધિકારી અથવા ટીમને મોટી રકમનું ઈનામ આપવા ઇચ્છે તો તેમણે રાજ્ય પોલીસ વડાને દરખાસ્ત મોકલવાની હોય છે અને એ દરખાસ્ત પર મંજૂરીની મહોર મારે છે.

અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનના કિસ્સામાં 6.15 લાખના રોકડ પુરસ્કાર આપવા માટેની ભલામણ ગત ઑગસ્ટ મહિનામાં ગૃહ વિભાગને કરાઈ હતી. જે ભલામણના આધારે કુલ 4.15 લાખ સુધીના રોકડ પુરસ્કાર  મંજૂર કર્યા છે. જેમાં DCP Shivam Verma ને પ્રશસ્તિ પત્ર, સરખેજના તત્કાલીન PI R K Dhuliya ને 1 લાખ, તત્કાલીન પીએસઆઈ અને હાલ PI Y P Jadeja ને 75 હજાર અને પીએસઆઈ વિજય એચ. શર્મા તેમજ એએસઆઈ બહાદુરસિંહ દિપસિંહને 50-50 હજાર રોકડ ઈનામ જાહેર કર્યા છે. હાલ પીએસઆઈ હિરલભાઈ રમણભાઈ, કૉન્સ્ટેબલ જયરાજદાન કિરીટદાનને 50-50 હજાર, કૉન્સ્ટેબલ મયુરસિંહ પ્રવિણસિંહને 20 હજાર અને કૉન્સ્ટેબલ ઈરફાન કાસમભાઈ તથા શિવસંગ ગુલાબસિંહને 10-10 હજાર રોકડ પુરસ્કાર અપાશે.

(12:07 AM IST)