<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ગુજરાત સરકારમાં થશે ધરખમ ફેરફારઃ નવા મંત્રી મંડળમાં તમામ પાસા જોવાશે

ચોમાસુ સત્ર પછી કેબિનેટમાંથી ડઝનેક મંત્રીઓના સ્‍થાને નવા પીઢ ચહેરાઓને તક મળવાની સંભાવના

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના આવતીકાલથી મળી રહેલા 3 દિવસીય ચોમાસું સત્ર બાદ સરકારમાં મોટી ઉથલપાથલની શક્યતા છે. ગ્રહણ બાદ અનેક મોટા ચહેરાઓની કારકિર્દીમાં ફેરફાર થઇ શકે છે. સુત્રો અનુસાર ભાજપ હાઇકમાન્ડે 2021માં જે પ્રકારનો નિર્ણય લીધો હતો તેવો જ નિર્ણય ફરી એકવાર લે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2021 માં સમગ્ર મંત્રીમંડળ મુખ્યમંત્રી સહિત ફેરવી નાખવામાં આવ્યું હતું. જો કે આ વખતે મુખ્યમંત્રી અને ટોપ પર્ફોમર તેવા 4 મંત્રીઓ નહી બદલાય બાકીનું તમામ મંત્રીમંડળ બદલી જાય તેવી શક્યતા છે.
2022ની ચૂંટણી બાદ ભૂપેન્દ્રભાઇ પટેલને ફરી મુખ્યમંત્રી બનાવાયા હતા. આ ઉપરાંત તેમની સાથે કુલ 16 મંત્રીઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં CM ઉપરાંત કેબિનેટ કક્ષાના 8 અને રાજ્યકક્ષાના 8 મંત્રીઓને તક આપવામાં આવી હતી. ત્રણેક વર્ષથી મંત્રીમંડળ યથાવત્ત છે કોઇ પ્રકારનું પરિવર્તન આવ્યું નથી.
હંમેશા ચૂંટણીના મોડમાં જ રહેતા ભાજપે 2027 ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. જેથી ભાજપે અત્યારથી જ જાતિના તાણાવાણા અને નેતાઓનો દબદબો જોતા અનેક નવામંત્રીઓને સ્થાન આપવા માટેની તૈયારી કરી લીધી હતી. જેના પગલે હાઇકમાન્ડે પણ હવે મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સચિવાલય તથા ભાજપનાં ટોપના સુત્રોમાં થઇ રહેલી ચર્ચા અનુસાર 8થી 10 સપ્ટેમ્બરે 3 દિવસ સુધી યોજાનારા વિધાનસભાના ચોમાસું સત્ર પછીના દિવસોમાં મંત્રીમંડળનુ વિસ્તરણ લગભગ નક્કી છે.
જો તે સૌથી ચોંકાવનારી બાબત છે કે, હાઇકમાન્ડ ફરી એકવાર 2021 વાળી કરવાના મુડમાં છે. જો કે આ વખતે રાહતની બાબત છે કે, મુખ્યમંત્રી અને ટોપ પર્ફોમર હોય તેવા 4-5 મંત્રીઓને યથાવત્ત રાખવામાં આવી શકે છે. પરંતુ બાકીના મંત્રીઓને પડતા મુકાઇ શકે છે. જેમાં કેબિનેટ કક્ષાના ચારથી પાંચ અને રાજ્યકક્ષાના પાંચથી છ મંત્રીઓનો સમાવેશ થાય છે.
રાજકીય તજજ્ઞોના અનુસાર, ભાજપ હાઇકમાન્ડની અપેક્ષા પર ખરા ઉતરવામાં જે મંત્રીઓ ઉણાઉતર્યા છે તે તમામની હકાલપટ્ટી નક્કી છે. આ ઉપરાંત કોઇ પણ રીતે કૌભાંડ કે અન્ય રીતે સંડોવાયેલા નેતાઓ કે જેના કારણે પક્ષની છબી ખરડાય હોય તેવા તથા પર્ફોમન્સ બાબતે નિષ્ફળ રહેલા મંત્રીઓને પડતા મુકવામાં આવી શકે છે. આ ઉપરાંત વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની અસર પણ મંત્રીમંડળ પર જોવા મળશે.

(12:59 PM IST)