<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

કપાસના મુદ્દે કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર પ્રહાર - 'અમેરિકા ૫૦% ટેરિફ લગાવે તો તમે ૭૫% લગાવો' : ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ કરી માગણીઓ રજૂ કરી : જુઓ વિડીયો

કેન્દ્ર સરકારે અમેરિકી કપાસ પરથી ૧૧% આયાત શુલ્ક હટાવતા સ્થાનિક ખેડૂતોને નુકસાન થશે : કેજરીવાલે ખેડૂતો માટે એમએસપી સહિત ચાર મુખ્ય માંગણીઓ મૂકી

રાજકોટ : આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમના બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ પ્રવાસ દરમિયાન, તેમણે અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા પ્રભુ ફાર્મ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર અમેરિકી કપાસ પરથી ૧૧% આયાત શુલ્ક નાબૂદ કરવાનો આરોપ લગાવ્યો, જેનાથી સ્થાનિક કપાસના ખેડૂતોને મોટું નુકસાન થશે તેમ જણાવ્યું.
કેજરીવાલના મુખ્ય આક્ષેપો અને માંગણીઓ
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે પહેલા કપાસના ભાવ પ્રતિ મણ ₹૧૫૦૦ સુધી હતા, જે ઘટીને હવે ₹૧૨૦૦ થયા છે. જો અમેરિકાથી કપાસ આયાત થશે, તો ખેડૂતોને માત્ર ₹૯૦૦ પ્રતિ મણનો ભાવ મળશે. આ સાથે જ, ખેડૂતો માટે બિયારણ અને મજૂરીના ભાવ વધ્યા છે, પરંતુ તેમને પાકનો ભાવ ઓછો મળે છે. તેમણે સુરતમાં હીરાના કારીગરોને પણ પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો.
કેજરીવાલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ અંગે વાત કરતા કેન્દ્ર સરકારને પડકાર ફેંક્યો કે, "જો અમેરિકા ૫૦% ટેરિફ લગાવી રહ્યું હોય તો તમે ૭૫% ટેરિફ લગાવી દો. આખો દેશ અને અમે તમારી સાથે છીએ."
આ સાથે જ, કેજરીવાલે કપાસના ખેડૂતો માટે ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી:
૧. અમેરિકાના કપાસની આયાત પર જે ૧૧% ડ્યુટી હટાવવામાં આવી છે, તેને ફરીથી લાગુ કરવામાં આવે.
૨. કપાસના ખેડૂતોને પ્રતિ મણ ₹૨૧૦૦ નો લઘુતમ ટેકાનો ભાવ (MSP) આપવામાં આવે.
૩. ખેડૂતોના પાકની ખરીદી એમએસપીના ભાવે સરકાર દ્વારા કરવામાં આવે.
૪. બિયારણ સહિત ખેડૂતોની તમામ જરૂરિયાતો પર સબસિડી આપવામાં આવે જેથી ખેતી સસ્તી બને.

 

(3:46 PM IST)