<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

એસટી ડેપોમાં ગયા ભર ઉનાળે સર્જાયેલ પાણીના ધાંધીયા તથા GPS સિસ્‍ટમ બંધ અંગે CMના તપાસના આદેશો

ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિની ફરીયાદ બાદ કાર્યવાહીઃ તપાસનો રીપોર્ટ મંગાવાશે

રાજકોટ તા.૮: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી, પ્રવીણભાઈ લાખાણી, પૂર્વ ફોૈજી નટુભા ઝાલા, પઢીયાર બળવંતસિંહ, પ્રદિપસિંહ જાડેજાની એક સંયુક્‍ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસપોર્ટમાં ડેપો મેનેજરની અને કોન્‍ટ્રાક્‍ટરની બેદરકારી અને લાપરવાહીના પગલે જ્‍યારે સમગ્ર ભારતમાં રાજકોટ સૌથી ગરમ શહેર હતું ત્‍યારે ભર ઉનાળે ધોમધખતા તાપમાં જ્‍યાં ૭૦,૦૦૦ મુસાફરોની અવર-જવર રહે છે. એ સૌરાષ્‍ટ્રના પાટનગર સમાન રાજકોટના ઢેબર રોડ પરના એસ.ટી બસપોર્ટ પર પાણીના ધાંધિયા સર્જાયા હતા.

તત્‍કાલીન સમયે ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆત સાથે પાણીની બોટલો પણ સુપ્રત કરી હતી. અને તેમ છતાં પાણીના ધાંધિયા ચાલુ રહેતા અને કરેલી રજૂઆતનો કોઈ હકારાત્‍મક કે નકારાત્‍મક જવાબ નહીં આપનાર પાણીના ધાંધિયામાં નિમિત બનેલા જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરવા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને ગાંધીનગર ખાતે તારીખ ૩/૪/૨૫ ના લેખિત રજૂઆત કરી હતી અને એ રજૂઆતના પગલે રાજકોટ એસ.ટી બસપોર્ટ પરના પાણીના ધાંધિયા સબબ મુખ્‍યમંત્રી કાર્યાલય તરફથી તા - ૧૭/૦૭/૨૫ પત્ર ક્રમાંક - મુમક/Reg/2025/28787 થી અધિક મુખ્‍ય સચિવ બંદરો અને વાહન વ્‍યવહાર મંત્રી પાસે મુખ્‍યમંત્રીએ તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા આદેશ કરેલ છે અને કરેલ કાર્યવાહીની જાણ મુખ્‍યમંત્રી કાર્યાલયમાં કરવા અપીલ કરી છે.

મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા મુખ્‍યમંત્રીને વધુ એક લેખિત ફરિયાદ કરવામાં આવી હતી જેમાં લાખો રૂપિયાના આંધણ બાદ ગોઠવવામાં આવેલી જીપીએસ સિસ્‍ટમ આઠ મહિનાથી રાત્રે GPS સિસ્‍ટમ બંધ રખાતી હતી રાત્રે ૯ થી સવારના ૫ સુધી રાજકોટ બસપોર્ટ પર ગોઠવવામાં આવેલી ઓનલાઇન સિસ્‍ટમ ચાલુ કરવામાં જ્‍યારે તંત્ર નિષ્‍ફળ નીવળ્‍યું ત્‍યારે આ અંગે મુખ્‍યમંત્રી કાર્યાલયમાં લેખિત ફરિયાદ કરવામાં આવી નિયત થયેલા રૂટ પર એસ.ટી બસ કયાં પહોંચી તેની જાણકારી રાત્રે સિસ્‍ટમ બંધ કરતા મળતી નહીં જેની ફરિયાદ ટ્રાફિક કંટ્રોલર દ્વારા અને મુસાફરો દ્વારા ગુજરાતના પ્રતિનિધિ ગજેન્‍દ્રસિંહ ઝાલાને કરાતા આ અંગે સમિતિના સભ્‍યો દ્વારા મુખ્‍યમંત્રી કાર્યાલયમાં તારીખ ૨૬/૦૭/૨૦૨૫ થી કરવામાં આવી હતી જે રજૂઆત સંદર્ભે મુખ્‍યમંત્રી કાર્યાલય દ્વારા તારીખ ૨૯/૦૮/૨૦૨૫ થી પત્ર ક્રમાંક - મુમક/Reg/2025/35470 થી રાજ્‍યના અધિક મુખ્‍ય સચિવ બંદરો અને વાહન વ્‍યવહાર મંત્રીને તપાસના આદેશો કરવામાં આવ્‍યા છે અને કરવામાં આવેલી તપાસની જાણ મુખ્‍યમંત્રી કાર્યાલયમાં કરવા અપીલ કરવામાં આવી છે.

(1:35 PM IST)