<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

બનાસકાંઠામાં વરસાદે ભારે તારાજી સર્જી:સુઇ ગામમાં ધોધમાર 16 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સંપર્ક તૂટ્યો

અનેક ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ : ભારે વરસાદને પગલે જિલ્લાભરમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ: થરાદના બજારમાં ભરાયા ઘૂંટણ સમા પાણી

બનાસકાંઠા જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો છે. સુઇગામમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. સુઇગામમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી પરિસ્થતિ ઉભી થઇ હતી. સુઇ ગામ સિવાય ભાભરમાં 13 ઇંચ, વાવમાં 12.50 ઇંચ અને થરાદમાં 11.50 ઇંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લાભરમાં વરસાદથી નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને પગલે જિલ્લાભરમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવ્યું છે. 

 

બનાસકાંઠાના ભાભર - સુઈગામ પંથકમાં ગઇકાલે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં પાક પર વરસાદી પાણી ફરી વળ્યા. ભારે પવન સાથે ધોધમાર વરસાદને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ધોધમાર વરસાદને પગલે લોકો ઘરોમાં રહેવા મજબુર બન્યાં હતા. 

 

ભારે વરસાદના પગલે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ છે. દાંતીવાડા ડેમની જળ સપાટી 594 ફૂટ પર પહોંચી છે. ડેમમાં 74.64 ટકા પાણનો જથ્થો સંગ્રહ થયો છે. દાંતીવાડા ડેમની ભય જનક સપાટી 604 ફૂટ છે. ડેમમાં અત્યારે 14655 ક્યુસેક પાણીની આવક થઇ છે. તંત્રએ ડેમમાં પાણીની આવકને જોતા વાઈટ એલર્ટ આપ્યું છે. 

 

 

થરાદમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા હતા. થરાદની મેન બજાર જવાનાં રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છ. ગઈકાલ વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ થાંભવાનું નામ ન લેતા જન જીવન પ્રભાવિત થયું છે. મેઈન બજાર જતા લોકો ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે

(1:29 AM IST)