<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

વિધાનસભા સત્ર આરંભઃ કોંગ્રેસ-આપ આક્રમક મિજાજમાં

પ્રથમ દિવસે સ્‍વ. વિજયભાઇ રૂપાણી સહિતના દિવંગતોને શ્રધ્‍ધાંજલીઃ પ્રશ્‍નોતરી બાદ ગૃહ મોકુફ

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૮: પંદરમી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર આજથી ચાલુ થયું છે. ગૃહની બેઠક ૧ર વાગે શરૂ થઇ રહી છે. પ્રથમ જુદા જુદા વિભાગોની પ્રશ્‍નોત્તરી હાથ ધરવામાં આવશે. જેમાં જુદા જુદા વિભાગોના સભ્‍યો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્‍નોના જે તે વિભાગના મંત્રીઓ જવાબ આપશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લોકોના પ્રશ્‍ને આક્રમક મિજાજમાંછે.

પ્રશ્‍નોત્તરી પૂર્ણ થયા બાદ શોકદર્શક ઉલ્લેખો અંગેની કામગીરી હાથ ધરવામાં એજન્‍ડામાં છે. જેમાં પ્રથમ માજી મુખ્‍યમંત્રી સ્‍વ. વિજય રૂપાણી ત્‍યારબાદ ગુજરાતના પૂર્વ મંત્રી શ્રીમતિ હેમાબેન સૂર્યકાંત આચાર્ય, પૂર્વ મંત્રી ઇશ્‍વરસિંહ ચાવડા, પૂર્વ મંત્રી બળવંત મણવર, શ્રીમતિ નૂરજહાંબીબી મોહમામદ ઇબ્રાહિમ ખાન બાબી, પૂર્વ સભ્‍યશ્રી ભૂપેન્‍દ્ર પટણી, પૂર્વ સભ્‍ય રણછોડભાઇ મેરને શ્રદ્ધાંજલી આપવામાં આવશે.

આ શ્રધ્‍ધાંજલી આપ્‍યા બાદ સરકારી વિધેયકો અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે ત્‍યારબાદ પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં વિધાનસભાએ પસાર કરેલ અને જેને રાજયપાલ શ્રી દ્વારા અનુમતિ આપવામાં આવેલ છે તેવા વિધેયકો અંગે કામગીરી હાથ ધરવામાં આવશે. કામકાજ સલાહકાર સમિતિના દસમાં અહેવાલની રજૂઆત કરવામાં આવશે.

બીજી તરફ તાજેતરમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદરના ચૂંટાયેલા સભ્‍ય ગોપાલ ઇટાલીયા અને કડીના સભ્‍ય રાજેન્‍દ્ર ચાવડા પ્રથમ વખત ગૃહમાં હાજરી આપશે જેને ગૃહમાં ઉપસ્‍થિત સભ્‍યો આવકારશે. (૭.૧૭)

(2:55 PM IST)