<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

દવાખાના - હોસ્‍પિટલોની નોંધણી ફરજિયાત : મુદતમાં તા.૩૦ એપ્રિલ સુધીનો વધારો : ઋષિકેશ પટેલ

વિધાનસભામાં વિધેયક : આરોગ્‍ય મંત્રીની ‘અકિલા' સાથે વાતચીત

રાજકોટ, તા.૮: રાજય સરકાર દ્વારા ખાનગી દવાખાના, હોસ્‍પિટલો વગેરેની નોંધણી ફરજીયાત કરવામાં આવી છે. નોંધણી કરાવવાની સરકારની અપીલને નબળો પ્રતિસાદ મળતા વધુ એક વખત નોંધણીની મુદતમાં તા.૩૦ એપ્રિલ સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના જણાવ્‍યા મુજબ મુદત વધારા અંગેનું વિધેયક વિધાનસભામાં રજુ થશે.

આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ જણાવેલ છે કે ગુજરાત ચિકિત્‍સા સંસ્‍થાઓ (રજીસ્‍ટ્રેશન અને નિયમન) અધિનિયમ, ૨૦૨૧માં કલમ ૯માં, પેટા-કલમ (૪) ને બદલે, નીચેની પેટા-કલમ મુકાશે. આ અધિનિયમના આરંભના સમયે, કોઇ ચિકિત્‍સા સંસ્‍થા અસ્‍તિત્‍વ ધરાવતી હોય તો તેના રજીસ્‍ટ્રેશન માટેની અરજી તા.૩૦મી એપ્રિલ, ૨૦૨૬ના રોજ અથવા તે પહેલા કરવી જોઇશે અને આ અધિનિયમના આરંભ પછી જે ચિકિત્‍સા સંસ્‍થા અસ્‍તિત્‍વમાં આવે તેવી ચિકિત્‍સા સંસ્‍થાએ, કલમ ૧૮ની જોગવાઇઓને આધીન રહીને, તેની સ્‍થાપનાની તારીખથી ૬ મહિનાની મુદતની અંદર અથવા તારીખ ૩૦મી એપ્રિલ, ૨૦૨૬ના રોજ અથવા તે પહેલા, એ બેમાંથી જે મોડુ હોય તેટલા સમયની અંદર રજીસ્‍ટ્રેશન માટે અરજી કરવી જોઇશે

(4:47 PM IST)