તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th September 2025
પલસાણાના જોળવામાં મિલમાં ડ્રમ ફાટવાની ઘટનામાં વધુ બે લોકોના મોત : મૃત્યુઆંક વધી ૭ પર પહોચ્યો
દુર્ઘટનામાં 20 જેટલા લોકો દાઝી ગયા હતા અને 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલી સંતોષ ડાઈંગ મિલમાં ડ્રમ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 20 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત પૈકી વધુ બે લોકોના મોત નીપજ્યા છે અને મૃત્યુઆંક ૭ પર પહોચ્યો છે.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલી સંતોષ ડાઈંગ મિલમાં ગત 1 સપ્ટેમ્બરના રોજ આ દુર્ઘટના સર્જાઈ હતી. મિલમાં લોકો કામ કરી રહ્યા હતા તે દરમ્યાન ડ્રમ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી અને આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં 20 જેટલા લોકો દાઝી ગયા હતા અને તે સમયે 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
દરમ્યાન દાઝેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ બે લોકોના મોત થયા છે. આ સાથે જ મૃત્યુ આંક 7 પર પહોચ્યો છે.
આગની ઘટનાના દિવસે જ બે કામદારોના મૃતદેહ મિલની અંદરથી મળી આવ્યા હતા. ત્યાર પછી, સારવાર લઈ રહેલા ઘાયલોમાંથી ત્રણ દિવસ અગાઉ એક મહિલા કામદારનું, ગતરોજ બે કામદારોનું, અને આજે મોડી રાત્રે તથા દિવસે વધુ બે કામદારોનું મોત થયું જેના કારણે મૃત્યુઆંક વધીને 7 થયો છે.
મૃતકોના નામ: દેવેન્દ્ર બહાદુર શિવ કુમાર સિંહ (ઉ. 46) રોશન કુમાર નયની શાહ (ઉ. 24) પ્રિયંકાબેન અવિનાશ શાહુ (ઉ. 30) જોગેન્દ્ર મુનીલાલ પ્રજાપતિ (ઉ. 35) પ્રીતિ સિંગ નાગેન્દ્રસિંહ રાજપુત (ઉ. 28) સુષ્માબેન ગણેશભાઈ મિશ્રા (ઉ. 35) મુન્ના કુમાર વિશ્વનાથ દાસ (ઉ. 24)
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
