<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

પૂનમની મોટી ભરતીમાં તણાતું તણાતું કેમિકલ ભરેલ ટેન્કર ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે તણાઈ આવ્યું

જલાલપોર પોલીસે FSL ની ટીમ બોલાવી ચકાસણી કરાવતા ટેન્કરમાં રંગવિહીન ગ્લિસરીન ટાઈપ પ્રવાહી ભરેલું હોવાનું જણાયું

ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા થોડા દિવસોમાં ટેન્કર મળવાની ઘટનાઓ સામે આવી છે. દ્વારકા, પોરબંદર અને કચ્છના દરિયામાં તણાઈને આવેલા ટેન્કર બાદ ગત રોજ પૂનમની મોટી ભરતીમાં તણાતું તણાતું એક કેમિકલ ભરેલ ટેન્કર ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે તણાઈ આવ્યું હતું. આજે સવારે હોમગાર્ડ જવાનોના પેટ્રોલિંગ દરમિયાન દાંડી બીચથી અંદાજે એક કિલોમીટર દૂર ટેન્કર જણાતા જલાલપોર પોલીસને જાણ કરવામાં આવી હતી. 

 

પોલીસને જાણ થતા જ જલાલપોર પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. લાડુમોર તેમના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેની સાથે જ જલાલપોર મામલતદારને પણ ટેન્કર તણાઈ આવ્યાની જાણ કરતા તેમના દ્વારા સંબંધિત વિભાગોને જાણ કરી ટેન્કરની તપાસ આરંભવામાં આવી હતી. જલાલપોર પોલીસે FSL ની ટીમ બોલાવી ચકાસણી કરાવતા ટેન્કરમાં રંગવિહીન ગ્લિસરીન ટાઈપ પ્રવાહી ભરેલું હોવાનું જણાયું હતું. 

 

કેમિકલ હોવાની આશંકાએ નવસારી ફાયર બ્રિગેડને પણ દાંડી બોલાવી લાવામાં આવ્યું હતું. પરંતુ ટેન્કરોમાં જ્વલનશીલ નહીં, પણ કોસ્મેટિકમાં ઉપયોગમાં લઈ શકાયએ પ્રકારનું કેમિકલ હોવાનું જણાયું હતું. સાથે જ ઓમાનના દરિયામાં થોડા મહિના અગાઉ એક માલવાહક જહાજના કેટલાક ટેન્કરો ડૂબ્યા હતા, જેમાં ગુજરાતના દરિયા કાંઠે અગાઉ મળેલા ટેન્કરએ જહાજના હોવાની આશંકાને ધ્યાને રાખી દાંડીમાં મળેલ ટેન્કર પણ એજ માલવાહક જહાજનું હોય એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. જોકે હાલ તો જલાલપોર પોલીસ સહિત સંબંધિત વિભાગોએ તપાસ આરંભી છે અને આગળ કસ્ટમ વિભાગને ટેન્કર સોંપવાની કામગીરી સાથ ધરવામાં આવશે.

(8:14 PM IST)