<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

બનાસકાંઠામાં જળબંબાકાર : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી એક્શન મોડમાં: પૂરની સ્થિતિનો તાગ મેળવશે

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અસરગ્રસ્તોને ઝડપી સહાય માટે સ્થાનિક તંત્ર સાથે મુલાકાત કરશે

ગુજરાત વિધાનસભામાં 3 દિવસીય માનસૂન સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા જવા માટે રવાના થયા હતા. બનાસકાંઠામાં ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે, જેનાં કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને પણ પાક નુકસાનની ભીતિ સેવાઈ છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અસરગ્રસ્તોને ઝડપી સહાય માટે સ્થાનિક તંત્ર સાથે મુલાકાત કરશે એવી માહિતી છે.

   બનાસકાંઠા જિલ્લામાં દાંતા, પાલનપુર, ડિસા સહિતનાં મોટાભાગનાં તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, જેનાં કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આથી, જિલ્લાની મુલાકાત લેવા માટે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા પહોંચ્યા છે. અહીં, અધિકારીઓ અને સ્થળ મુલાકાત કરી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો. સાથે જ અસરગ્રસ્તોને ઝડપી સહાય મળી રહે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરશે એવી પણ માહિતી છે. જો કે, વિધાનસભા સત્ર ચાલતું હોવાથી શંકર ચૌધરી મોડી રાત્રે જ ગાંધીનગર પરત ફરશે.  
બનાસકાંઠામાં ભારે વરસાદથી 13 ગામ સંપર્ક વિહોણા થયા છે. જ્યારે 500થી વધુ લોકોનું સ્થળાંતર, 279 ગામમાં વીજળી ગુલ થઈ છે. 1.50 લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. NDRF અને SDRF ની વિવિધ ટીમો પણ તૈનાત કરાઈ છે જે વિવિધ સ્થળે રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી કરી રહી છે. રોડ-રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં સુઈગામથી વાવ, રાધનપુર, ભાભર સહિતના રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. લોકોને નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

(9:49 PM IST)