News of Monday, 8th September 2025
ગુજરાતમાં આ વર્ષે સિઝનનો ૧૦૬ ટકા વરસાદ થયો
૮૪ તાલુકામાં ૪૦ ઇંચથી વધુ, કુલ ૮૩૫૭ લોકોનું સ્થળાંતરઃકચ્છના ભચાઉમાં ૪.૧૩ ઇંચ અને નખત્રાણામાં ૩.૫૮ ઇંચ વરસાદ વરસ્યો છે

ગાંધીનગર,તા.૮
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નદી-નાળા, ડેમ છલકાયા છે, તો અતિભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. જ્યારે રાજ્યના ૩૯૨ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં આ વર્ષે સિઝનનો ૧૦૬ ટકા વરસાદ ખાબક્યો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ(SEOC), આજે સોમવારે જાહેર કરાયેલા ચોમાસુ-૨૦૨૫ રિપોર્ટ પ્રમાણે આ વર્ષે સિઝનનો ૯૪૩ મિ.મી. વરસાદ ખાબક્યો છે. જેમાં રાજ્યના ૨૪ તાલુકામાં ૨૫૧થી ૫૦૦ મિ.મી., ૧૪૩ તાલુકામાં ૫૦૧થી ૧૦૦૦ મિ.મી. અને ૮૪ તાલુકામાં ૧૦૦૦ મિ.મી.થી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૨ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં આજે સવારે ૬ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધીમાં કચ્છના લખપતમાં ૫.૧૨ ઇંચ, રાપરમાં ૪.૭૨ ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં ૪.૨૯ ઇંચ, કચ્છના ભચાઉમાં ૪.૧૩ ઇંચ અને નખત્રાણામાં ૩.૫૮ ઇંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતના ૨૦૬ ડેમમાંથી ૧૩૨ ડેમ હાઇ ઍલર્ટ, ૧૯ ઍલર્ટ અને ૧૪ ડેમને લઈને વોર્નિંગ જાહેર કરી છે. જેમાં ૧૦૧ જેટલાં ડેમ ૧૦૦ ટકા ભરાયા છે. જ્યારે ૬૪ ડેમ ૭૦થી ૧૦૦ ટકા જેટલા ભરાયા છે. તેમજ નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો તે ૯૧ ટકા ભરાયો છે. ગુજરાત SEOCના આંકડા મુજબ, ગત ૧ જૂન, ૨૦૨૫થી આજે ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં ચોમાસાની સિઝનમાં અતિભારે વરસાદને લઈને રાજ્યમાં કુલ ૮૩૫૭ લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે આપત્તિજનક સ્થિતિમાં ૧૧૫૪ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
