<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ખેડા-ધોળકા હાઈવે પર કેડસમા પાણી ભરાતા હાઈવે થયો બ્લોક

ખેડા-ધોળકા હાઈવે પર સાબરમતીના પાણી ફરી વળ્યાઃખેડાથી ધોળકા તરફના રાજ્ય ધોરીમાર્ગ રસીકપુરા પાસે પાણી ભરાતા રોડ બંધ કરવામાં આવ્યો છે

અમદાવાદ,તા.૮

રાજ્યમાં ગઈકાલે એટલે કે ૭ સપ્ટેમ્બરે ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા છે. રસિકપુર, પથાપુરા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગામમાં કમરસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. રોડ-રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડા-ધોળકા હાઈવે પર સાબરમતીના પાણી ફરી વળ્યા છે.

ખેડા ધોળકા હાઈવે પર કેડ સમા પાણી ફરી વળતા હાઈવે બ્લોક થયો છે. ખેડા-ધોળકા હાઈવે બ્લોક થતાં વાહનવ્યવહાર પણ થંભી ગયો છે. સાબરમતી નદીના પાણી રસિકપુરા, પથાપુરા, નાની કલોલી સહિતના ગામોમાં ફરી વળ્યા છે. ખેડાથી ધોળકા તરફના રાજ્ય ધોરીમાર્ગ રસીકપુરા પાસે પાણી ભરાતા રોડ બંધ કરવામાં આવ્યો છે. લોકો દ્વારા ગામના પશુ ધન હાઈવે પર બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં પથાપુરા ગામ જવાના રોડને બેરીકેટ્સ લગાવી બંધ કરવામાં આવ્યો છે. રસિકપુરા ગામના ભરવાડવાસમાં ઘરોમાં પાણી ભરાતા લોકોને મોટું નુકસાન થયું છે. ઢોરને ઘાસચારો નાખી શકાય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી નથી.લોકોના અનાજ પણ પલળી જતા ભારે હાલાકી પડી રહી છે, જેના કારણે ખાવા માટે બહારથી આવતી સહાય પર લોકો નિર્ભર છે.

(10:11 PM IST)