<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

રાજ્ય સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં કૂલ ૭૭૬ ટી.પી. સ્કીમ મંજૂર કરી

આગામી સમયમાં ૫૦૬ નવી સ્કીમો મંજૂર કરાશેઃરાજ્યમાં વધતા જતા શહેરીકરણના પગલે સરકાર દ્વારા સુનોયિજીત પણે આયોજન હાથ ધરીને વિકાસ કાર્યો હાથ ધરાયા છે

અમદાવાદ,તા.૮

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ વિધાનસભામાં પૂછાયેલા ટી.પી. સ્કીમ સંદર્ભેના એક પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ પણે કહ્યું કે, રાજ્ય સરકાર પક્ષ-વિપક્ષ વિના રાજ્યની તમામ પ્રજાજનોના વિકાસ કાર્યોમાં અવિરત પણે કાર્ય કરી રહી છે.રાજ્યમાં વધતા જતા શહેરીકરણના પગલે સરકાર દ્વારા સુનોયિજીત પણે આયોજન હાથ ધરીને વિકાસ કાર્યો હાથ ધરાયા છે.પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગનો સવાલ કર્યો હતો કે, રાજ્યમાં સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેટલી ટી.પી સ્કીમો મંજૂર કરવામાં આવી છે અને આ સ્કીમો પૈકી વર્ષ વાર કેટલી મુસદ્દા રૃપ, પ્રારંભિક અને આખરી સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. તેમના જવાબમાં સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં ૭૭૬ જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરવામાં આવી છે. તેમાં પણ વર્ષ ૨૦૨૫ ના ફક્ત ૮ મહિનામાં ૯૫ જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરી છે. જેની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ છે.

રાજ્યમાં ટી.પી.એક્ટની તમામ જોગવાઇઓ અને નિયમ પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાક કિસ્સામાં ટી.પી. સ્કીમની અમલવારીના વિલંબ થવાના ટેકનીકલ કારણો, કોર્ટ મેટર હોઇ શકે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેનો પણ સત્વરે નિકાલ લાવીને તમામ ટી.પી. સ્કીમ સમયમર્યાદામાં જ પુર્ણ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે જેમાં મહદ્અંશે સફળતા પણ મળી હોવાનું મંત્રીએ કહ્યું હતુ. હાલ રાજ્યમાં ૫૦૬ જેટલી નવી નગર રચના યોજના(ટી.પી,) બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે કાયદાકીય જોગવાઇ અનુસાર સમયમર્યાદામાં આખરી કરવામાં આવનાર હોવાનું મંત્રીએ જણાવ્યુ હતુ.

(10:12 PM IST)