<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

આવકના ખોટા દાખલા બનાવનાર કૌભાંડનો પર્દાફાશ

સરકારી કર્મચારીની સંડોવણી ખુલે તેવી શક્યતાઃઆરોપીઓની સાથે કોઈ ઓપરેટર અથવા સરકારી કર્મચારીની સંડોવણી પણ ખુલી શકે છે જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

અમદાવાદ,તા.૮

સરકારી યોજનાનો લાભ મેળવવા માટે આવકના ખોટા દાખલા બનાવનાર કૌભાંડનો પર્દાફાશ થયો છે. રામોલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 આરોપીઓ છેલ્લા બે વર્ષથી બનાવટી આવકના દાખલા બનાવતા હતા. જોકે આરોપીઓની સાથે કોઈ ઓપરેટર અથવા સરકારી કર્મચારીની સંડોવણી પણ ખુલી શકે છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદની રામોલ પોલીસે બંને આરોપીઓ ધીરજ રાજપુત અને કિશોર પ્રજાપતિની આ મામલે ધરપકડ કરી છે. આરોપીઓ વસ્ત્રાલ ગામ પંચાયતની સામે હેતાંશી ઓનલાઈન નામે દુકાન ધરાવી ઓનલાઈન ફોર્મ ભરવા સહિતના કામ કરે છે. પરંતુ તેની આડમાં બનાવટી આવકના દાખલા બનાવતા હતા એટલે કે ?૪,૦૦,૦૦૦થી વધુ આવક ધરાવતા લોકોને સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટે ઓછી આવક બતાવી આવકના ઓનલાઈન દાખલા બનાવી આપતા હતા.

 જે અંગેની માહિતી મળતા રામોલ પોલીસે દુકાનમાં તપાસ કરતા ૨૦ જેટલા આવકના ખોટા દાખલા ઉપરાંત, આવકના દાખલા મેળવનાર લોકોના આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટ કબ્જે કર્યા છે. જોકે આ ગુનામાં હજુ એક આરોપી દીપક આહીર ફરાર છે. તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

બનાવટી આવકના દાખલા બનાવતા આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીઓ ૧૦૦૦થી ૧૨૦૦ રૃપિયામાં ઓછી આવક બતાવી દાખલા બનાવી આપતા હતા. જેમાંથી ૪૦૦ રુપિયા આરોપી પોતે રાખતા અને અન્ય રકમ બીજા આરોપીને સોંપી દેતા હતા. જે માટે માત્ર ઓનલાઈન પ્રોસિજર કરી આવકના દાખલાને ઓનલાઈન એપ્રુવલ મેળવી લેતા હતા. જે આવકના દાખલાનો ઉપયોગ આયુષ્યમાન યોજનાના કાર્ડ બનાવવા ઉપરાંત અન્ય સરકારી લાભો મેળવવા માટે થતો હોવાનો સામે આવ્યું છે.

પોલીસને વર્ષ ૨૦૨૪ અને વર્ષ ૨૦૨૫ના અલગ અલગ નામના બનાવટી આવકના દાખલા મળ્યા છે. જેના આધારે પોલીસ શંકા સેવી રહી છે કે આરોપીઓ બે વર્ષમાં સંખ્યાબંધ લોકોને બનાવટી કાર્ડ બનાવી આપ્યા હશે.

આ ઉપરાંત આરોપીઓ માત્ર ઓનલાઈન એપ્રુવલ મેળવતા હોવાથી ઓપરેટર અથવા કોઈ સરકારી કર્મચારીની પણ સંડોવણી ખુલે તેવી શક્યતા વ્યક્ત કરી છે. બનાવટી આવકના દાખલા બનાવનાર આરોપી ઝડપાયા છે, પરંતુ આ બનાવટી દાખલાને ઓનલાઈન એપ્રુવલ કોણ અને ક્યાંથી આપતું હતું, આ ઉપરાંત ફરાર આરોપી દિપક આહીર સિવાય અન્ય કોણ કોણ આ રેકેટમાં સંડોવાયેલા છે તથા કોઈ સરકારી કર્મચારીની સંડોવણી સામે આવે છે કે કેમ તે જોવું મહત્વનું છે.

(10:13 PM IST)