<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

વાપી: તળાવમાંથી મળેલ મૃતદેહના મામલે ચોંકાવનારો ખુલાસો :સગા પુત્રએ જ કરી હતી પિતાની હત્યા: ધરપકડ

બંને વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી અને બબાલ થઈ અને પુત્રએ પિતાને નિર્દયતા પૂર્વક પથ્થરના ઘા મારી અને તેની હત્યા કરી નાખી

વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ અગાઉ તળાવમાંથી મળેલા તરતા મૃતદેહના મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને  મૃતકના હત્યારાની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે પોલીસના હાથે જે હત્યારો લાગ્યો છે તે કોઈ અન્ય નહીં પરંતુ મૃતકનો સગો પુત્ર હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે પિતાની હત્યાના આરોપમાં પુત્રની જ ધરપકડ કરી હતી. 

ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા ડુંગરા અને કરવડ ગામની હદ ઉપર આવેલા તળાવમાં બે દિવસ અગાઉ એક વ્યક્તિનો તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તળાવના પાણીમાં મૃતદેહ તરતો હોવાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થયા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ડુંગરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી મૃતકની ઓળખ અંગે પ્રયાસો કરતાં ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી હતી. તળાવમાંથી મળેલા મૃતદેહ તળાવની નજીક જ આવેલી સાંઈધામ સોસાયટીમાં રહેતા સુરેશ પીતાંબર ઝા નામના વ્યક્તિનો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

 

પોલીસે લાશનો કબજો લઈ તપાસ કરતાં મૃતકના શરીર પર ઇજા ના નિશાન પણ મળી આવ્યા હતા. આથી પોલીસને મોતના કારણ અંગે આશંકા ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જ મૃતકની હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે મામલાના ઊંડાણ સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી અને ગણતરીના સમયમાં જ આનંદ સુરેશ ઝા નામના એક આરોપીની ધરપકડ કરી હતી. મૃતક સુરેશ ઝા નો હત્યારો કોઈ અન્ય નહીં પરંતુ તેનો સગો પુત્ર આનંદ સુરેશ ઝા જ હોવાનું બહાર આવ્યું હતું.

 

પિતાની હત્યામાં ઝડપાયેલા હત્યારા પુત્રની આગવી ઢબે પૂછપરછ બાદ પોલીસે ઘટના અંગે તપાસ કરતા બહાર આવ્યું કે, મૃતક સુરેશ ઝા અને તેનો પુત્ર આનંદ ઝા બંને ભંગારનો વ્યવસાય કરતા હતા. બનાવના દિવસે મૃતકના પુત્રે ડુંગરાના તળાવ નજીક એક ભંગારનો સોદો કરવા જવાનું હોવાનું બહાનું બતાવી અને પિતાને તળાવ તરફ લઈ ગયો હતો. ત્યાં જતા બંને વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી અને બબાલ થઈ હતી અને પુત્રએ પિતાને નિર્દયતા પૂર્વક પથ્થરના ઘા મારી અને તેની હત્યા કરીનાખી હતી. હત્યા કર્યા બાદ સમગ્ર હકીકત છુપાવવા હત્યારા પુત્રએ પિતાના મૃતદેહને નજીકના તળાવમાં જ ફેંકી અને ઘરે જ ચાલ્યો ગયો હતો.

 

સગા પુત્રએ જ કેમ પિતાની હત્યા કરી એ જાણવા માટે ડુંગરા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતક પિતાએ આરોપી પુત્ર આનંદની પત્નીની છેડતી કરી હોવાની પુત્રને આશંકા હતી. જેની જાણ થતા જ પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઇ હતી અનેં છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે ઘરમાં આ વાતને લઈને ઝગડો પણ થતો હતો. બનાવના દીવસે પૂરા પ્લાનિંગ સાથે ભંગારનો સોદો કરવાના બહાને ડુંગરા તળાવ સુધી લઈ ગયો હતો અને ત્યારબાદ પિતાના તેની પત્ની સાથે છેડતી કરી હોવાના મામલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પુત્ર પથ્થરો મારી પિતાની હત્યા નીપજાવી હતી. હત્યા કર્યા બાદ પુત્રએ ઘટનાને છુપાવવા માટે પિતાના મૃતદેહને તળાવમાં ફેંકી એને કાંઈ બન્યું જ ન હોય તેમ ઘરે આવીને બેસી ગયો હતો.

આ ઘટનામાં હવે પિતાની હત્યાના આરોપમાં પુત્ર સળિયા પાછળ ધકેલાયો છે. ત્યારે પરિવારમાં હવે મૃતકની પત્ની અને માતા જ છે. માતા ગંભીર રીતે બીમાર હોવાથી છેલ્લા કેટલાય વર્ષોથી પથારીવસ છે. ઘરના બંને મોભીની ગેરહાજરીમાં પરિવાર નોંધારો બન્યો છે. અત્યારે પરિવારમાં જ ખેલાયેલા આ લોહિયાળ ખેલને કારણે ઘરમાં શોક મગ્ન વાતાવરણ છવાયું છે.

(1:28 AM IST)