તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 9th September 2025
બનાસકાંઠાના ભાભર, વાવ અને થરાદમાં ભારે વરસાદથી તારાજી:અનેક ગામો સંપર્ક વિહોણા
ભાભર, થરાદ અને વાવ તાલુકાઓમાંથી અત્યાર સુધીમાં 612 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું :લગભગ 280 ગામોમાં વીજળી ગુલ થઈ

ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ભાભર, વાવ અને થરાદમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. ભાભરમાં 12 ઇંચ અને વાવ-થરાદમાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાતા, સંખ્યાબંધ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ વિસ્તારોમાં જમીન ક્ષારવાળી હોવાથી અને નદી કે વોકળા ન હોવાને કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી, જેના પરિણામે પરિસ્થિતિ વધુ વણસી છે. 2015 અને 2017 જેવી જ પરિસ્થિતિ ફરી એકવાર ઉભરી આવી છે.
ભાભર, થરાદ અને વાવ તાલુકાઓમાંથી અત્યાર સુધીમાં 612 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. લગભગ 280 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી અંધારપટ છવાયો છે. સુઈગામ તાલુકાના અનેક ગામો, જેમાં મેઘપુરા, રડોસણ, ભરડવા, પાટણ, ગોલપ, નેસડા, કોરેટી, ચેલાણા, કાણોઠી, લિંબાળા અને મમાણાનો સમાવેશ થાય છે, ત્યાં તંત્ર હજુ સુધી પહોંચી શક્યું નથી કારણ કે રસ્તાઓ તૂટી ગયા છે અથવા પાણી ભરાયેલા છે.
સ્થાનિક લોકો તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે અને બચાવ કાર્ય માટે એરફોર્સની મદદ મોકલવાની માંગ કરી રહ્યા છે. ઉચોસણ ગામના એક સ્થાનિક નિવાસીના જણાવ્યા મુજબ, તેમના ઘરમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરી તણાઈ ગઈ છે અને તેમના બાળકો છેલ્લા બે દિવસથી ભૂખ્યા છે. કોઈ નેતા કે અધિકારી તેમની મદદે આવ્યા નથી.
ખેડા જિલ્લામાં પણ સાબરમતી નદીના પાણીએ તારાજી સર્જી છે. ખેડા તાલુકાના રસિકપુરા અને પથાપુરા ગામમાં 700થી વધુ ઘરોમાં નદીના પાણી ઘૂસી જવાથી ભારે નુકસાન થયું છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 100થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. બંને જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ પ્રતિકૂળ હવામાન અને રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
