તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
અમદાવાદમાં 17મીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી મોટી રક્તદાન શિબિર :50થી વધુ સંસ્થા ભાગ લેશે
મેગા કેમ્પમાં દેશભરમાંથી 44,000થી વધુ બ્લડ બેંકો, 5000 ડોક્ટર, 25,000 લેબ ટેકનિશિયન અને 1 લાખથી વધુ દાતાઓ જોડાશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 17 સપ્ટેમ્બરના રોજ તેરાપંથ યુવક પરિષદ અને ગુજરાત સરકારના સહયોગથી એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેરની 50થી વધુ સંસ્થાઓ ભાગ લેશે. સ્ટેડિયમ બન્યા પછી આ ચોથીવાર હશે જ્યારે આટલા મોટા પાયે કોઈ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.
અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ (ABTYP) એ આ પહેલા 2022માં રક્તદાન અમૃત મહોત્સવ અને 2023માં રક્તદાન અમૃત સ્મરણોત્સવનું આયોજન કર્યું હતું. 2022ના અભિયાનને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ માં સ્થાન મળ્યું હતું, જેમાં એક જ દિવસે 2,50,000 યુનિટથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ વર્ષે, સંસ્થા તેના 61મા સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન અમૃત મહોત્સવ 2.0 હેઠળ ભારત અને વિદેશમાં 7,500થી વધુ રક્તદાન કેમ્પોનું આયોજન કરી ઇતિહાસ રચવા જઈ રહી છે.
આ મેગા કેમ્પમાં દેશભરમાંથી 44,000થી વધુ બ્લડ બેંકો, 5000 ડોક્ટર, 25,000 લેબ ટેકનિશિયન અને 1 લાખથી વધુ દાતાઓ જોડાશે. આયોજકોના જણાવ્યા મુજબ, એક જ દિવસે, એક જ સ્થળે યોજાનારી આ સૌથી મોટી રક્તદાન શિબિર હશે.
આ રક્તદાન શિબિર માટે શહેરની 250થી વધુ સોસાયટીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત, શહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, વેપારી મહાજનો, ઇન્ડસ્ટ્રી એસોસિએશનો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને પણ આ પવિત્ર કાર્યમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તેરાપંથ યુવક પરિષદના 5,000થી વધુ સભ્યો સ્વયંસેવક તરીકે સેવા આપશે. સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું કે, રક્તદાન માત્ર આંકડાઓનો રેકોર્ડ નથી, પરંતુ માનવતા માટેનો પવિત્ર સંકલ્પ છે. આ પહેલ જીવન બચાવવાના ઉમદા હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
