<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

સાંતલપુર તાલુકામાં ખારી નદીમાં નાહવા ગયેલા 9 યુવાનો ડૂબ્યા : એક યુવકનું મોત : 4 લાપતા

ગુમ યુવકોને SDRFની 26 સભ્યોની ટીમ શોધખોળ કરી રહી છે: સાંતલપુર અને નળિયા ગામની આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં નાહવા ગયેલા 9 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આમાંથી 4 યુવાનોને સ્થાનિકોની મદદથી બચાવી લેવામાં આવ્યા, પરંતુ તેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું છે. પરંતુ હજું પણ 4 યુવાનો હજુ લાપતા છે. ગુમ યુવકોને SDRFની 26 સભ્યોની ટીમ શોધખોળ કરી રહી છે. આ ઘટના સાંતલપુર અને નળિયા ગામની આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ ફેલાવી દીધો છે.

આજે બપોરે નળિયા ગામના યુવાનો ખારી નદીમાં નાહવા માટે ગયા હતા. વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં 9 યુવાનો તણાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તુરંત કાર્યવાહી કરીને 5 યુવાનોને બહાર કાઢ્યા જેમાંથી એકને વધુ પાણી પીઈ જવાને કારણે 108 એમ્બ્યુલન્સ દ્વારા વારાહી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું મોત થયું હતું. મૃતકનો દેહ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. બાકીના 4 યુવાનો હજુ લાપતા છે, અને તેમની શોધખોળ માટે SDRFની ટીમને બોલાવવામાં આવી છે.

વારાહીના મામલતદાર દિનેશ પંડ્યાએ જણાવ્યું કે, બે વિવિધ ઘટનાઓમાં 9 યુવાનો પાણીમાં તણાઈ ગયા હતા. સ્થાનિકોએ 5ને બહાર કાઢ્યા છે, અને 4 લાપતા છે. SDRFની 26 લોકોની ટીમ શોધખોળ કરી રહી છે. એક યુવાન વધુ પાણી પી જતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે. અમે સ્થિતિ પર નજર રાખીએ છીએ અને અપડેટ કરીશું." TDO, વારાહી પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે હાજર છે.

 

 

(9:35 PM IST)