<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

હોસ્પિટલો માટે રજીસ્ટ્રેશનની મુદત ૭ મહિના સુધી લંબાવાઈ

૩૬ હજારથી વધુ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન થયાઃમેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ ૧૯૬૩ હેઠળ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડીસીન, ગુજરાતનું રજીસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે

ગાંધીનગર,તા.૧૦

વિધાનસભા ગૃહ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ સુધારા વિધેયક રજુ કરતા જણાવ્યું હતું કે, આ કાયદાનો મુખ્ય હેતુ ગુજરાતમાં આયુર્વેદિક અને યુનાની વ્યવસાયીઓની નોંધણી માટે પ્રબંધ કરવાનો અને ગુજરાત રાજ્યનું આયુર્વેદ/ યુનાની તબીબોનું રજિસ્ટર એટલે કે નોંધણી પત્રક નિભાવવાનો છે. ગુજરાતમાં આયુર્વેદ તથા યુનાની સ્નાતકોએ તબીબી વ્યવસાય કરવા માટે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ ૧૯૬૩ હેઠળ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડીસીન, ગુજરાતનું રજીસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે.આ કાયદાની કલમ-૩૦ હેઠળ રજીસ્ટ્રેશન વગર તબીબી વ્યવસાય કરવો ગુન્હો બને છે.આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે,કાયદાની કલમ-૩ મુજબ પાંચ વર્ષની મુદત માટે બોર્ડની રચના કરવામાં આવે છે. બોર્ડમાં ૧૧ સભ્યોની જોગવાઈ છે. જે પૈકી ૪ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા નોમિનેટ કરવાની તથા ૭ સભ્યોની ચૂંટણી કરવાની જોગવાઈ છે. ભારત સરકારના ધી નેશનલ કમીશન ફોર ઇન્ડીયન સિસ્ટમ્સ ઓફ મેડીસીન ૨૦૨૦ એક્ટ અમલમાં આવતા અને તેમાં થયેલ જોગવાઈઓ મુજબ "બોર્ડ" શબ્દ ફક્ત કેન્દ્ર સરકાર કક્ષાના ચાર બોર્ડ માટે જ ઉલ્લેખ કરી શકાય છે.આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, આ સુધારા વિધેયકથી ૧૯૬૩ના કાયદાની કલમ-૨ માં Councilની વ્યાખ્યા ઉમેરાઈ છે.અગાઉના કાયદામાં કલમ-૨ અને કલમ-૪૦ સિવાય જ્યાં જ્યાં "Board" શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ત્યાં “Council" શબ્દ મુકવા માટેનો સુધારો સુચવાયો છે.આ સુધારા વિધેયક અમલી બનતા ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનનું નામ ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન થશે.

આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, આરોગ્ય સંસ્થાઓ માટે કામચલાઉ રજિસ્ટ્રેશનની અરજીની મુદત સાત મહિના વધારવામાં આવી છે. અગાઉ ૧૨-૦૯-૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. જે હવે ૩૦-૪-૨૦૨૬ સુધી લંબાવાઇ છે. પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન માટે ૩૬ હજારથી વધુ અરજીઓ મળી છે. રજિસ્ટ્રેશન નહીં હોય તો ૨૫ હજારથી ૫ લાખ સુધી દંડ થશે.વિધાનસભા ગૃહ ખાતે ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરાયું હતું.

 

(9:57 PM IST)