<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પટેલ બનાસકાંઠાની મુલાકાત લેશે: બચાવ -રાહતકાર્યની સમીક્ષા કરશે

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ભારે વરસાદથી થયેલા નુકસાન માટે સરકાર વળતર ચૂકવશે. ઉપરાંત SDRF NDRF ટીમો પણ તૈનાત રાખવામાં આવશે

ગાંધીનગર : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામડાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખેતરોમાં ઊભો પાક તબાહીનો શિકાર થયો છે. આવી સ્થિતિમાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ખુદ બનાસકાંઠાની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ લેશે અને સ્થળ પર રાહતકાર્યની સમીક્ષા કરશે.

 

બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામ સહિતના અનેક ગામોમાં હાલત વધુ જ ગંભીર છે. પાણી ઊતરવાનું નામ નથી લેતું અને ગ્રામજનો મુશ્કેલીમાં જીવી રહ્યા છે. અનેક ખેતરોમાં પાક નાશ પામ્યો છે, જ્યારે ઘરોમાં પાણી ઘૂસી જતાં સામાન્ય જીવન પ્રભાવિત થયું છે. ચાર દિવસથી વરસાદ ચાલુ રહેતા સ્થાનિક લોકોની મુશ્કેલી વધી રહી છે.

વિધાનસભાના ચોમાસા સત્રના અંતિમ દિવસે આ મુદ્દે ખાસ ચર્ચા થઈ હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ સરકાર તરત સતર્ક બની ગઈ હતી. ત્રણ કરોડ જેટલા લોકોને એસએમએસ મોકલીને અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત સ્ટેટ કંટ્રોલ રૂમ પરથી મુખ્યમંત્રી પોતે પરિસ્થિતિની સતત માહિતી મેળવી રહ્યા હતા.”

(6:46 PM IST)