<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

મામલતદાર કચેરીના પટાવાળાને ₹૪૦૦ની લાંચ લેતા એ.સી.બી.એ રંગે હાથે ઝડપ્યો : જમીનના કાગળો કાઢી આપવા માટે માંગી હતી લાંચ

પંચમહાલના કાલોલ તાલુકામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ : રેકર્ડ શાખાના કરાર આધારિત કર્મચારીએ વડીલોપાર્જિત જમીન નોંધના કાગળોની નકલ આપવા માટે લાંચ માંગી

કાલોલ, પંચમહાલ: પંચમહાલ એ.સી.બી.એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવીને કાલોલ મામલતદાર કચેરીમાં રેકર્ડ શાખામાં ફરજ બજાવતા કરાર આધારિત પટાવાળા અશોકકુમાર હરિપ્રસાદ જોષીને ₹૪૦૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. આ કામગીરી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકે પોતાની વડીલોપાર્જિત જમીન સંબંધિત દસ્તાવેજોની નકલ મેળવવા માટે મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. ફરિયાદીના પિતા અને ફોઈના અવસાન બાદ, તેમના નામ ખેડૂત ખાતેદાર તરીકે ચાલતા હોવા છતાં, ફરિયાદીના કાકાના દીકરાઓએ તેમના પિતા અને ફોઈને નિઃસંતાન દર્શાવીને તેમના નામ દાખલ કરાવી દીધા હતા અને ફરિયાદીનું નામ દાખલ કર્યું નહોતું. જે નોંધથી તેમનો હક કમી થયો હતો, તે નોંધ અને તેને સંબંધિત કાગળોની નકલો મેળવવા માટે ફરિયાદીએ અરજી કરી હતી.
આ અરજીના જરૂરી કાગળો કાઢી આપવા માટે આરોપી પટાવાળા અશોકકુમાર જોષીએ ફરિયાદી પાસે ₹૪૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.ની ટોલ ફ્રી હેલ્પલાઇન ૧૦૬૪ પર સંપર્ક કર્યો હતો.
એ.સી.બી.ની ટીમે આયોજનપૂર્વક લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન, આરોપી જોષીએ મામલતદાર કચેરીની રેકર્ડ શાખાની ઓફિસમાં કોઈ પણ પ્રકારની પહોંચ આપ્યા વગર ₹૪૦૦ની લાંચના નાણાં સ્વીકાર્યા હતા અને તે જ સમયે એ.સી.બી.ની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.
આ સફળ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. કરેણ અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું, જેનું સુપરવિઝન મદદનીશ નિયામક બી.એમ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને ફરી એકવાર ઉજાગર કર્યો છે.

 

(11:30 PM IST)