તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
મિલકતના નામ ટ્રાન્સફર માટે લાંચ : સુરત મનપાના કોમ્પ્યુટર ઓપરેટરને ₹૫,૦૦૦ની લાંચ લેતા એસીબીએ ઝડપ્યો
કતારગામ નોર્થ ઝોન ઓફિસમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ : લાંબા સમયથી પડતર અરજીનો નિકાલ કરવા આરોપીએ વ્હોટ્સએપ કોલ પર લાંચ માંગી હતી

સુરત: સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોન ખાતે ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ રામઆશિષ પાલ (ઉં.વ. ૨૪)ને એસીબીએ ₹૫,૦૦૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. આ સફળ ઓપરેશન ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ પાર પાડવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકે પોતાની માલિકીના મકાનનું નામ ટ્રાન્સફર કરાવવા માટે વર્ષ ૨૦૨૨માં સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોન ખાતે અરજી કરી હતી. આ અરજી લાંબા સમયથી પડતર હોય, ફરિયાદીએ ઝોન ઓફિસમાં રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યારબાદ આરોપી રાહુલ પાલે ફરિયાદીને વ્હોટ્સએપ કોલ કરીને વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવાના બદલામાં ₹૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન, ફરિયાદી આરોપી રાહુલ પાલને મળ્યા હતા, જ્યાં આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. જે બાદ એસીબીની ટીમે તુરંત જ તેને કતારગામ ઝોન ઓફિસની આકારણી વિભાગના વોર્ડ નં. ૬૩/એની ઓફિસની બહાર વોશરૂમ પાસેથી પકડી પાડ્યો હતો.
આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ધડુક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેનું સુપરવિઝન મદદનીશ નિયામક આર.આર. ચૌધરીએ કર્યું હતું.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
